અમેરિકા: ચેટજીપીટી (ChatGPT)ને ડેવલપ કરનારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના 26 વર્ષીય પૂર્વ રિસર્ચર સુચિર બાલાજીનું મોત થયું છે. સાન ફ્રાન્સિસ્કોના તેમના ફ્લેટમાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા. સુચિર બાલાજીએ તાજેતરમાં OpenAIની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊઠાવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પોલીસ અનુસાર આ ઘટના 26મી નવેમ્બરે બની હતી અને 14મી ડિસેમ્બરે સામે આવી છે.પ્રાથમિક માહિતી અનુસાર સુચિર બાલાજી છેલ્લાં કેટલાક દિવસોથી મિત્રો અને સહકર્મીઓના ફોન કોલનો જવાબ આપતો ન હતો. ઘરની બહાર પણ આવ્યો ન હતો. જ્યારે તેના મિત્રો અને સહકર્મીઓ ચિંતા વ્યક્ત કરીને તેના ફ્લેટ પર પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારબાદ તેમણે સાન ફ્રાન્સિસ્કો પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડી અંદર જઈને જોયું તો સુચિરનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી અને હાલમાં આ મામલો આપઘાતનો હોવાની આશંકા છે. પોલીસે આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે.વર્ષ 2020માં સુચિરે બાલાજી OpenAIમાં જોડાયા અને લગભગ 4 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યું. તે GPT-4 અને WebGPT જેવા પ્રોજેક્ટનો ભાગ હતા. જેણે કંપનીની શોધ ક્ષમતાઓને સુધારી. તેમણે AIના ક્ષેત્રમાં ઘણાં મહત્ત્વપૂર્ણ પાસાઓ પર કામ કર્યું. પરંતુ તેમનો સૌથી મોટો આક્ષેપ એ હતો કે OpenAI તેની પોતાની તકનીકો વિકસાવવા માટે અન્યની સામગ્રીનો દુરુપયોગ કરી રહી છે. OpenAI પર તેના જનરેટિવ AI પ્રોગ્રામ, ChatGPTને તાલીમ આપવા માટે યોગ્ય પરવાનગી વિના કોપીરાઈટ સામગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.