નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા સંભવિત નવા ટેરિફના કારણે ભારતને 3.1 બિલિયન ડોલર (લગભગ 25,700 કરોડ રૂપિયા)ની નિકાસનુ નુકસાન થાય એવી શક્યતા છે, એમ કેરએજ રેટિંગ્સનો નવો રિપોર્ટ કહે છે. આ રકમ ભારતના કુલ ઘરેલુ ઉત્પાદ (GDP) ના અંદાજે 0.1 ટકાના બરાબર છે, જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.
રેટિંગ્સ એજન્સીનાં ડિરેક્ટર સ્મિતા રાજપુરકર અનુસાર ટેરિફ વધતા ભારતનાં મુખ્ય નિકાસ ક્ષેત્રો પર ગંભીર અસર પડી શકે છે, જેમાં ઘણા ઉદ્યોગો પણ સામેલ છે. ઉદાહરણ તરીકે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ, IT અને ફાર્માસ્યુટિકલ્સ. ખાસ કરીને ભારતનો મોટો ભાગનો કપડાંની નિકાસ અમેરિકામાં થાય છે, જે ટેરિફ વધવાથી અસરગ્રસ્ત થઈ શકે છે. ભારતીય ઓટો સેક્ટર પહેલેથી જ મંદીનો સામનો કરી રહ્યું છે અને નવા ટેરિફને કારણે આ ઉદ્યોગ વધુ અસરગ્રસ્ત થઈ શકે છે. ભારતની IT અને દવા કંપનીઓ અમેરિકન બજારમાંથી મોટો નફો કમાય છે, પરંતુ ટેરિફ વધવાથી ખર્ચ વધી જશે, જેને કારણે ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતા ઘટી શકે.
જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરે તો તેની ઘણી મહત્વપૂર્ણ અસર થઈ શકે છે, જે ભારતીય અર્થતંત્ર માટે નુકસાનકારક છે. આ સાથે ટેરિફ વધવાથી ભારતીય કંપનીઓ માટે અમેરિકા મોકલાતી વસ્તુઓની કિંમત વધશે, જેનાથી તેમનાં ઉત્પાદનોની માગ ઘટી શકે.
