ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ટેસ્ટમાં 20મી વખત કર્યું ક્લીન સ્વીપ

નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવીને દિલ્હીની ટેસ્ટ મેચ જીતી લીધી છે. ભારત સામે બીજી ઈનિંગમાં 121 રનની લક્ષ્યાંક હતો, જેને ટીમે પાંચમા દિવસના પહેલા કલાકમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. સાંઇ સુદર્શને 39 અને કે.એલ. રાહુલે નોટઆઉટ 58 રનની ઈનિંગ રમી હતી.

આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝે ફોલો-ઓન મળ્યા બાદ બીજી ઈનિંગમાં જોરદાર લડત આપી અને 390 રનનો સ્કોર ઊભો કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી શાઈ હોપ અને જોન કેમ્પબેલે શતકીય ઈનિંગ રમી હતી, જેને કારણે ટીમ ભારતને ફરી બેટિંગ કરવા મજબૂર કરી શકી. હોપે 103 જ્યારે કેમ્પબેલે 115 રન બનાવ્યા હતા.આ પહેલાં સતત છ ટોસ હાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે પહેલી વાર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પાંચ વિકેટના નુકસાન પર 518 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી. પહેલી ઈનિંગમાં યશસ્વી જયસવાલે 175 અને કપ્તાન શુભમન ગિલે 129 રનની ઈનિંગ રમી હતી. તેમના સિવાય સાંઇ સુદર્શને 87 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

વેસ્ટ ઇન્ડિઝને ફોલો-ઓન

ભારતના 518 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની પહેલી ઈનિંગ ખાસ કંઈ કરી શકી નહીં અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગ સામે ફસાઈને માત્ર 248 રન પર આઉટ થઈ ગઈ. આ ઈનિંગમાં એલિક એથેન્જેએ સર્વાધિક 41 અને સાઈ હોપે 36 રન બનાવ્યા. કેપ્ટન ગિલે વેસ્ટ ઇન્ડિઝને ફોલો-ઓન આપ્યું હતું, પરંતુ બીજી ઈનિંગમાં વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોએ લડાયક રમત દાખવી હતી.

આ જીત સાથે ભારતે બે ટેસ્ટ મેચોની સિરીઝ 2-0થી પોતાને નામે કરી હતી. અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતે પારી અને 140 રનથી જીત મેળવી હતી. કેપ્ટન તરીકે ગિલની આ ઘરઆંગણે પહેલી ટેસ્ટ સિરીઝ જીત છે. ભારતનો આ 20મો ક્લીન સ્વીપ છે અને આ મામલે હવે તેણે શ્રીલંકાની બરાબરી કરી છે.