ભારતે વેસ્ટ ઈન્ડીઝને ઇનિંગ્સ, 140 રનથી હરાવ્યું

અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટેસ્ટ માત્ર અડધા ત્રીજા દિવસે જ પૂર્ણ થઈ ગઈ હતી. ભારતે આ મેચ ઇનિંગ્સ અને 140 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે બે મેચોની સિરીઝમાં ભારતીય ટીમે 1-0ની લીડ મેળવી છે. ભારત માટે રવીન્દ્ર જાડેજાએ આ મેચમાં 104 રન બનાવ્યા હતા અને ચાર વિકેટ લીધી હતી.

આ પહેલાં ભારત માટે પ્રથમ ઇનિંગ્સમાં કે.એલ. રાહુલ, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજાએ પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. જાડેજાએ બોલિંગમાં પણ કમાલ દેખાડ્યો હતો. ભારતે ત્રીજા દિવસની શરૂઆત પહેલાં જ પોતાની પહેલી ઇનિંગ્સ પાંચ વિકેટ પર 448 રન બનાવીને ડિક્લેર કરી હતી અને 286 રનની લીડ મેળવી હતી. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ બીજી ઇનિંગ્સમાં ફક્ત 146 રન પર જ ઓલઆઉટ થઈ હતી

ભારત માટે આ મેચમાં બેટ્સમેન ઉપરાંત બોલરોનું પણ ઉત્તમ પ્રદર્શન રહ્યું. મોહમ્મદ સિરાજે આખી મેચમાં સાત વિકેટ લીધી, કુલદીપ યાદવે 4 વિકેટ અને રવીન્દ્ર જાડેજાએ ચાર વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે પ્રથમ ઇનિંગ્સમાં ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેને કોઈ વિકેટ મળી નહોતી. હવે સિરીઝનો બીજી મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે.

રવીન્દ્ર જાડેજા બન્યા પ્લેયર ઓફ ધ મેચ

ભારતીય ઓલરાઉન્ડર અને ઉપ-કપ્તાન રવીન્દ્ર જાડેજાને અમદાવાદ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર 104 રન ફટકાર્યા હતા અને એ પછી વેસ્ટ ઈન્ડીઝની બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ લઈ ઝળહળતું પ્રદર્શન કર્યું હતું.