પાકિસ્તાનને લોન આપતાં પહેલાં સમીક્ષા કરવાની ભારતની અપીલ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા પછીથી પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી સતત ચાલી રહી છે. ભારતે પાડોશી દેશ વિરુદ્ધ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે અને તેને કાબૂમાં લેવા માટે તૈયારીઓ ચાલી રહી છે. હવે ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ને પાકિસ્તાનને આપેલા લોનની સમીક્ષા કરવાની માગ કરી છે, એમ એક ભારતીય સરકારી સૂત્રે આ માહિતી આપી હતી.

પાકિસ્તાને ગયા વર્ષે IMF પાસેથી બેલઆઉટ પ્રોગ્રામ હેઠળ સાત બિલિયન ડોલર લીધા હતા અને માર્ચમાં તેને 1.3 બિલિયન ડોલરનું નવા હવામાન સંબંધિત લોન મળ્યું હતું. આ પ્રોગ્રામ 350 અબજ ડોલરની અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે અને પાકિસ્તાને કહ્યું હતું કે આ રાહત પેકેજથી તેનું અર્થતંત્ર સ્થિર થયું છે, જેને કારણે તે લોન ન ચૂકવી શકવાનો જોખમ ટાળી શક્યું છે.

આ ઉપરાંત ભારતે IMF સમક્ષ પાકિસ્તાનને આપવામાં આવેલી લોન અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેની સમીક્ષા કરવાની માગ કરી છે. એ સાથે જ ભારતે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવાની પણ અપીલ કરી છે. જો પાકિસ્તાનને મળતી આ મદદ બંધ થઈ જશે તો તેના અર્થતંત્ર પર ગંભીર અસર પડશે.

ભારત પાકિસ્તાને વિરુદ્ધ કાશ્મીરમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા હુમલા પછી અનેક પગલાં લીધા છે. એવી આશંકા છે કે બંને પરમાણુ શક્તિઓ વચ્ચે લશ્કરી સંઘર્ષ થઈ શકે છે. ભારતે અત્યંત મહત્વપૂર્ણ સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી છે અને બંને દેશોએ એકબીજાની એરલાઈન્સ માટે હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે.

આતંકવાદી હુમલામાં ભારતે ત્રણ હુમલાખોરોની ઓળખ કરી છે, જેમાંથી બે પાકિસ્તાની નાગરિકો છે અને તેમને આતંકવાદી ગણાવાયા છે. જોકે પાકિસ્તાને પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.