નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે PM મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન સિવાય દરેક જણ જાણે છે કે ભારત એક ‘ડેડ ઇકોનોમી’ (મૃત અર્થતંત્ર) બની ગયું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની શરતો પર જ થશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાને લઈને અને ભારતને બરબાદ અર્થતંત્ર કહેવા વિશેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે મને આનંદ છે કે રાષ્ટ્રપતિ ટ્રંપે હકીકત રજૂ કરી છે. ભાજપ સરકારે અર્થતંત્રને ખતમ કર્યું છે. આજે ભારત સામેનો મુખ્ય મુદ્દો એ છે કે સરકારે આપણી આર્થિક નીતિને, સંરક્ષણ નીતિને અને વિદેશ નીતિને ધ્વસ્ત કરી છે. તેઓ દેશને અંધકારમાં ધકેલે છે.
ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વિદેશ મંત્રી કહે છે કે અમારી વિદેશ નીતિ શાનદાર છે. એક બાજુ અમેરિકા તમને ગાળો આપે છે અને બીજી બાજુ ચીન તમારી સામે છે. તમે દુનિયાભરમાં પ્રતિનિધિમંડળો મોકલો છો તો પણ પાકિસ્તાનની વિરુદ્ધ કોઈ એક દેશ પણ નિંદા કરતો નથી.
ભારતમાંથી આયાત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા પછી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક સોશિયલ મિડિયા પોસ્ટમાં ભારત અને રશિયા પર નિશાન સાધ્યું હતું. ટ્રંપે કહ્યું હતું કે ભારત અને રશિયા તેમના બરબાદ થયેલા અર્થતંત્રને સાથે લઈને ખીણમાં લઈ જશે અને તેમને એમાં કોઈ ફરક પડતો નથી.
