વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો… પર્થમાં ફટકારી સદી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલ બાદ હવે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારતા ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને સર ડોન બેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો.

વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ મામલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બેડમેનને પાછળ છોડી દીધો છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. સાથે જ તેની કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકાર્યા બાદ કોહલી આ મામલે મેથ્યુ હેડન અને શિવનારાયણ ચંદ્રપોલની બરાબરી પર આવી ગયો છે.

કોહલીએ 81મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી

કોહલીએ પર્થ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે સદી ફટકારવા માટે 143 બોલનો સામનો કર્યો હતો. તે 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. કોહલીએ સદી ફટકારતા જ ભારતીય દાવ 6 વિકેટે 487 રન પર ડિકલેર કરી દીધો હતો. આ રીતે ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

કોહલીની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 81મી સદી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીના મામલે કોહલી બીજા સ્થાને છે. સચિન તેંડુલકર 100 સદી સાથે ટોચ પર છે. કોહલીએ પર્થ ટેસ્ટમાં 143 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સિક્સર અને 8 ફોર ફટકારી હતી.