અમદાવાદ: ચારધામ યાત્રા તો બહુ કઠિન હોં ભાઈ… આ શબ્દો ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા માટે વિચારતા, જતાં અને તૈયારીઓ કરતાં ગુજરાતી લોકોના પરિવારમાં ચોક્કસથી બોલાતા હશે. કારણ કે, ભૌગોલિક રીતે દુર્ગમ પહાડોની વચ્ચે આવેલાં મંદિરો એટલે ત્યાં પહોંચવું ખુબ જ કપરૂં. ત્યાં બીજી તરફ વાતાવરણની અનિશ્ચિતતા વચ્ચે આવેલા યાત્રાધામોની યાત્રા કરવી સામાન્ય વ્યક્તિ માટે ખરેખર મુશ્કેલ થઈ જાય છે. જો કે આ વર્ષે આ યાત્રા બીજા જ કારણોથી કઠિન થઈ ગઈ છે. પ્રશાસનની ધારણાં કરતાં વધારે યાત્રાળુઓ આવી પહોંચ્યા હોવાથી તેમની માટે સુવિધાઓ પૂરી પાડવામાં પ્રશાસન વામણું સાબિત થયું છે. પરિણામે યાત્રાળુઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખરેખર આ વર્ષે યાત્રા કરવી કઠિન થઈ ગઈ છે.ઉનાળાનું વેકેશન, કાળઝાળ ગરમીની આ ઋતુમાં ગુજરાતમાંથી અસંખ્ય પ્રવાસીઓ, શ્રધાળુઓનો ઉત્તરાખંડ ચારધામ તરફ ધસારો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. એકલા ગુજરાતમાંથી અસંખ્ય ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ ચારધામનો પ્રવાસ કરાવી રહી છે. બીજી તરફ પોતાની રીતે ગૃપ બનાવી જતાં લોકો ખાનગી વાહનો કરીને એડવેન્ચરની મજા લેવા માટે પણ ચારધામ પહોંચી રહ્યા છે. હાલમાં એવી પરિસ્થિતિ છે કે ઉત્તરાખંડ સરકારે સમયાંતરે પ્રવાસીઓ માટે સૂચના અને સૂચનો જાહેર કરવા પડે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)