બિહારના સમસ્તીપુરમાં વધુ એક નિર્માણાધીન પુલ ધરાશાયી

બિહાર: રાજ્યમાં ભારે વરસાદના કારણે એક પછી એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. હવે સમસ્તીપુરમાં એક પુલ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. સમસ્તીપુરમાં નિર્માણાધીન બ્રિજનો સ્પાન અચાનક નીચે પડી ગયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યાં હાજર લોકો દોડવા લાગ્યા. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે બની હતી.

સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન પાસે બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યું હતું. રવિવારે મોડી સાંજે બે થાંભલા વચ્ચે સ્પાન નાખવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનક સ્પાન નીચે પડી ગયો હતો. આ અકસ્માત બાદ ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.પુલ ધરાશાયી થયા બાદ ઘટનાસ્થળે જે.સી.બી. બોલાવવામાં આવી હતી. જેનાથી રાતોરાત પુલનો કાટમાળ માટીમાં દાટી દીધો હતો. દેખીતી રીતે જ વહીવટીતંત્ર આ સમાચાર છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. સ્થાનિક લોકોના મતે વહીવટીતંત્રની બેદરકારી છુપાવવા માટે આ પગલું ભર્યું હતું. બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. આ પુલનો પાયો 2011માં નાખવામાં આવ્યો હતો. 1603 કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજનું કામ 2016માં જ પૂર્ણ થવાનું હતું. પરંતુ 1000 કરોડથી વધુનો ખર્ચ કરવા છતાં બ્રિજનું માત્ર 60 ટકા જ કામ પૂર્ણ થયું છે.