યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે, કોરોનાની જેમ તૈયાર રહેવું પડશે: PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. દેશ સામે પડકારો ખૂબ વધી ગયા છે. વિશ્વભરના લોકો યુદ્ધ રોકવા માટે અપીલ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા ભારતનાં ઘણાં જહાજો સુરક્ષિત રીતે દેશમાં પરત આવ્યાં છે. સંકટના આ સમયમાં દેશે અગાઉથી કરેલી કેટલીક તૈયારીઓ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. છેલ્લાં 11 વર્ષમાં ઇથેનોલના ઉત્પાદન અને તેની બ્લેન્ડિંગ ક્ષમતા વધારવા માટે અભૂતપૂર્વ કામ થયું છે. એક દાયકા પહેલાં દેશમાં માત્ર એકથી 1.5 ટકા જેટલી ઇથેનોલ બ્લેન્ડિંગ ક્ષમતા હતી, જ્યારે હવે ભારત પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગના લક્ષ્યની નજીક પહોંચી ગયું છે. તેને કારણે દર વર્ષે અંદાજે સાડા ચાર કરોડ બેરલ જેટલું તેલ આયાત ઓછું કરવું પડે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે અને દેશે કોરોના કાળ જેવી તૈયારી રાખવી પડશે. ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ આજે 24મા દિવસે પહોંચી ગયું છે. આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ આ સંઘર્ષે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઊભું કર્યું છે. ભારતમાં પણ ગેસની અછત અનુભવાઈ રહી છે. આવી સ્થિતિમાં વિરોધ પક્ષોએ ભારતની વિદેશ નીતિ અને કેન્દ્ર સરકાર પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે, જેના જવાબ વડા પ્રધાન મોદીએ લોકસભામાં આપ્યા હતા.

લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. ઉપરાંત સમુદ્રમાં ચાલતા કોમર્શિયલ જહાજોમાં ભારતીય ક્રૂ સભ્યોની સંખ્યા પણ મોટી છે. તેથી ભારતની ચિંતાઓ સ્વાભાવિક રીતે વધુ છે. તેમણે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં ભારતની સંસદમાંથી એકમત અને એકજૂટ અવાજ વિશ્વ સુધી પહોંચવો જરૂરી છે. યુદ્ધ શરૂ થયા પછીથી જ પ્રભાવિત દેશોમાં જરૂરી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

ભારત માટે ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર જેવી ઘણી જરૂરી વસ્તુઓ મોટી માત્રામાં હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવે છે. યુદ્ધ બાદ ત્યાં જહાજોની અવરજવર ખૂબ પડકારજનક બની ગઈ છે. છતાં સરકારનો પ્રયત્ન રહ્યો છે કે પેટ્રોલ-ડીઝલ અને ગેસની સપ્લાય પર ઓછામાં ઓછી અસર પડે અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન થાય — આ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.