અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી(IITR) અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) વચ્ચે એક ખાસ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંશોધન, શિક્ષણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી (IITR) 177 વર્ષ જૂની સંસ્થા છે. જેમાં 23 વિભાગો અને 9 શૈક્ષણિક કેન્દ્રો આવેલા છે. આ ઉપરાંત એક ખાસ શાળા પણ આવેલી છે જે વિજ્ઞાન અને ઇજનેરી, શિક્ષણ, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં યોગદાન આપે છે. બીજી તરફ PRL એ ભારત સરકારના અવકાશ વિભાગનું એક એકમ છે. જે ભૌતિકશાસ્ત્ર, અવકાશ ભૌતિકશાસ્ત્ર, સૌર ભૌતિકશાસ્ત્ર, વાતાવરણીય વિજ્ઞાન, ભૂ-વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ગ્રહ વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પસંદગીના ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન કરે છે.IITR અને PRL એ પરસ્પર લાભ માટે, જ્ઞાનની પ્રગતિ માટે તેમજ પરસ્પર સહયોગ આપવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. MOUના કારણે બંને સંસ્થાઓની ફેકલ્ટી, રિસર્ચ ફેલો અને વિદ્યાર્થીઓને સંશોધન ચર્ચાઓમાં ભાગ લેવા મળશે. સાથે જ વૈજ્ઞાનિક પરિસંવાદો, કાર્યશાળાઓ અને પરિષદોના સંયુક્ત સંગઠન દ્વારા એકબીજા સાથે જોડાવા માટે પ્રોત્સાહન મળશે.