મુંબઈ: ‘જોધા અકબર’, ‘લગાન’ અને ‘સ્વદેશ’ જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા-નિર્દેશક આશુતોષ ગોવારીકરને આ મહિને ગોવામાં યોજાનારા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) માટે ઈન્ટરનેશનલ જ્યુરીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આશુતોષ ગોવારિકરે તેમની નિમણૂક પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે.
આ તારીખથી ગોવામાં ફેસ્ટિવલ શરૂ થશે
20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. આશુતોષ ગોવારિકરે એક નિવેદનમાં કહ્યું,’સિનેમા સમયની સાથે સતત વિકસિત થઈ રહ્યું છે અને આ ઉત્ક્રાંતિને જોવા માટે ફિલ્મ ફેસ્ટિવલ કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા આ પરિવર્તનનું પ્રતિક છે અને તેનો ભાગ બનવાનું મને ગૌરવ છે.’
શેખર કપૂરનો આભાર વ્યક્ત કર્યો
આશુતોષ ગોવારીકરે વધુમાં કહ્યું કે, ‘હું આ ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર શેખર કપૂર અને IFFI અને NFDC ટીમનો આ વર્ષની આંતરરાષ્ટ્રીય જ્યુરીની અધ્યક્ષતા માટે મને વિચાર કરવા બદલ આભાર માનું છું. સિનેમાની દુનિયામાં ભાગ લેવો એ મારા માટે એક વિશેષાધિકાર અને આનંદની વાત છે.’
શેખર કપૂરે શું કહ્યું?
જ્યારે શેખર કપૂરે કહ્યું, ‘આશુતોષની ફિલ્મોએ વાર્તા કહેવાના વિશાળ અને વૈવિધ્યસભર સ્વરૂપોને સફળતાપૂર્વક પ્રદર્શિત કર્યા છે’. માહિતી અને પ્રસારણ મંત્રાલય NFDC અને ESG સાથે મળીને ફેસ્ટિવલની 55મી આવૃત્તિનું આયોજન કરશે.