પશ્ચિમ તમારી ટીકા કરે તો તમે બધું યોગ્ય કરો છેઃ રશિયન દૂતાવાસ

નવી દિલ્હીઃ ભારતમાં રશિયન દૂતાવાસના પ્રભારી રોમન બાબુશ્કિનએ કહ્યું હતું કે ભારત એક વૈશ્વિક શક્તિ  છે અને વિવિધતાપૂર્ણ વિદેશ નીતિ ધરાવતો એક અગ્રણી આર્થિક દેશ છે.  જો પશ્ચિમ તમારી ટીકા કરે છે, તો તેનો અર્થ એ છે કે તમે બધી બાબતો યોગ્ય રીતે કરી રહ્યા છો, એમ તેમણે કહ્યું હતું. અમને ખબર છે કે ભારત માટે પરિસ્થિતિઓ પડકારજનક છે. આ જ સાચી વ્યૂહાત્મક ભાગીદારી છે જેનો અમે આનંદ માણી રહ્યા છીએ.

રશિયન દૂતાવાસે કહ્યું કે કંઈ પણ થઈ જાય, પડકારોના સમયમાં પણ અમે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. રાષ્ટ્રપતિ પુતિન દ્વારા તાજેતરમાં જ વડા પ્રધાન મોદીને યુક્રેનની તાજી ઘટનાઓ વિશે માહિતગાર કરવા અને વાતચીત કરવા માટે કરાયેલ ફોન કોલનો અર્થ એ છે કે ભારત રશિયા માટે ખૂબ મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે આપણે પરસ્પર સુખાકારી અને સંતોષ માટે કોઈ પણ ઉકેલ શોધવામાં સક્ષમ છીએ. અમારી ભાગીદારી વધુ ગાઢ બનશે, જે અમને સાથે મળીને વિકાસ કરવામાં મદદ કરશે.

તેમણે આગળ કહ્યું હતું કે અમારે ઘણાં વર્ષોથી પ્રતિબંધોની આ સમસ્યા જોવી પડી રહી છે, છતાં પણ અમારો વેપાર વધ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારો વેપાર સાત ગણો વધ્યો છે. અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો – એ મુદ્દે તેમણે કહ્યું હતું કે જો ભારતીય ઉત્પાદનોને અમેરિકન બજારમાં પ્રવેશ કરવામાં મુશ્કેલી પડી રહી હોય, તો રશિયન બજાર ભારતીય નિકાસનું સ્વાગત કરી રહ્યું છે.