અમદાવાદ: ICAIએ TDSના રેટની વિવિધ સેકશનો સરળ બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) સમગ્ર દેશના કોઈ પણ જાતિ કે ધર્મના બાળકને કે જે ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવા માંગતો હોય અને પારિવારિક આર્થિક સંકળામણ કે કોઈ પણ અન્ય કારણોસર CAનો અભ્યાસ કરવા સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓને મદદ કરશે. આવું બાળક ICAIની કોઈ પણ બ્રાન્ચને જાણ કરશે તો ICAIની ટીમ જરૂરી તપાસ કરી તેવા બાળકોને ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવામાં શક્ય તમામ મદદ પૂરી પાડશે. ICAIનાં WIRCના ચેરમેન CA કેતન સૈયાએ આજે તેમની અમદાવાદ બ્રાન્ચની મુલાકાતમાં આ વિશે માહિતી આપી હતી.CA કેતન સૈયાએ જણાવ્યું હતું કે, ICAI દ્વારા વિદ્યાર્થીઓ માટે CAનો અભ્યાસ વધારે સરળ બની રહે તે માટે ઘણા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી આ વર્ષે જરૂરિયાતમંદ બાળકોને CAનો અભ્યાસ કરવા મદદરૂપ થવા માટે રૂ. 400 કરોડનું ફંડ ઉભું કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અગાઉ રૂ. 100 કરોડ હતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનાં વ્યવસાયમાં કારર્કિદી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઘર આંગણે તક મળી શકે તે માટે દેશનાં વિવિધ જિલ્લાઓમાં કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમો દ્વારા ICAI જાગૃતતા ફેલાવશે.
CA કેતન સૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈન્કમટેક્ષની વિવિધ કેટેગરીમા કપાતા TDSના રેટની વિવિધ સેકશનોને સરળ બનાવી અને તેમાં ઘટાડો કરી સામાન્ય લોકોને ઓછી તકલીફોનો સામનો કરવો પડે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. હાલનાં સંજોગોમાં ઇન્કમટેક્ષના જુદા-જુદા સ્લેબમાં 25 સેકશનો દ્વારા TDS કાપવામાં આવે છે, જેમાં અસરકારક ઘટાડો કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.ICAI દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વૈશ્વિક આર્થિક વેપારના સંદર્ભમાં પોતાની ઓફિસ ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10-11 જુલાઈના રોજ સમગ્ર દેશના 100થી વધુ ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભવિષ્યના સુંદર આયોજન માટે ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાતથી ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાતના અકલ્પનીય ઔદ્યોગિક વિકાસને જોઈ શકશે તેમ સીએ કેતન સૈયાએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ICAIની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન CA નીરવ અગ્રવાલે અમદાવાદ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં ICAIનાં WIRCના ચેરમેન CA કેતન સૈયા, વાઈસ ચેરમેન CA પીયુષ ચાંડક, સેક્રેટરી CA જીનલ સાવલા, ટ્રેઝરર CA(ડો) ફેનિલ શાહ, મેમ્બર CA બીશન શાહ, અમદાવાદ બ્રાન્ચના ચેરમેન CA નીરવ અગ્રવાલ, સેક્રેટરી CA સમીર ચૌધરી, વિકાસા ચેરમેન CA શિખા અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
