મુંબઈ: મંગળવારે સવારે બોલિવૂડમાંથી એક એવા સમાચાર આવ્યા જેણે બધાને ચોંકાવી દીધા. આ સમાચાર હિન્દી ફિલ્મ પ્રેમીઓના હાર્ટથ્રોબ, અભિનેતા અને રાજકારણી ગોવિંદા સાથે સંબંધિત હતા. ગોવિંદાને અચાનક મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને જાણવા મળ્યું કે અભિનેતાને ગોળી વાગી હતી. અભિનેતા સાથેના અકસ્માત પછી દરેક વ્યક્તિ મનમાં એક જ સવાલ છે કે તેમની સાથે આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો.
ગોવિંદા સવારે 5.45ની ફ્લાઈટથી કોલકાતા જવાના હતા. ગોવિંદા 4:30 વાગ્યે એરપોર્ટ જવા ઘરેથી નીકળવાના હતા. ગોવિંદાએ જણાવ્યું કે સવારે 4:30 વાગ્યે ઘરની બહાર નીકળતા પહેલા તે અલમારીમાંથી પોતાની રિવોલ્વર કાઢીને સૂટકેસમાં રાખવા માંગતા હતા. સુટકેસમાં રિવોલ્વર મૂકવા આગળ વધતાં જ રિવોલ્વર નીચે પડી અને મિસફાયર થઈ ગઈ અને ગોળી અભિનેતાના પગમાં વાગી હતી, ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
રિવોલ્વરમાં 6 ગોળીઓ ભરેલી હતી
અભિનેતાએ એ પણ જણાવ્યું કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે તેની સાથે એક બોડીગાર્ડ પણ હાજર હતો. મુંબઈ પોલીસની પ્રોટેક્શન બ્રાન્ચ દ્વારા અભિનેતાને આ બોડીગાર્ડ આપવામાં આવ્યો હતો. આ બૉડીગાર્ડ ગોવિંદાને હોસ્પિટલ લઈ ગયો અને આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરી. પોલીસ તપાસ મુજબ ગોવિંદાને જે રિવોલ્વરથી ગોળી વાગી તેમાં 6 ગોળીઓ ભરેલી હતી. સદ્નસીબે આ અકસ્માતમાં ગોવિંદાનો આબાદ બચાવ થયો હતો.
પોલીસે રિવોલ્વર અને લાયસન્સ નંબર મેચ કર્યા છે અને લાઇસન્સ માન્ય છે. રિવોલ્વર 0.32 બોરની હતી, પણ ઘણી જૂની હતી. ગોવિંદા નવી રિવોલ્વર ખરીદવા માંગતો હતો, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો. રિવોલ્વરના લૉકનો એક નાનો ભાગ તૂટેલો હતો.
ગોવિંદાએ પણ તેની હેલ્થ અપડેટ શેર કરી હતી. તેણે હોસ્પિટલ તરફથી જ પોતાનો ઓડિયો મેસેજ શેર કર્યો હતો. તેણે પોતાના ઓડિયોમાં કહ્યું હતું,’હું હવે સંપૂર્ણપણે ખતરાની બહાર છું. ગોળી ભૂલથી વાગી હતી. હું મારા ડૉક્ટરોનો આભાર માનું છું. બાબાના આશીર્વાદ, તમારા બધાના આશીર્વાદ અને માતા-પિતાના આશીર્વાદ છે અને જે ગોળી વાગી હતી તે બાબાની કૃપાથી દૂર થઈ ગઈ છે. આપ સૌનો આભાર.