પાંચ સોમવારના શુભ સંયોગ સાથે શ્રાવણ માસ શરૂ

અમદાવાદ: દેવોના દેવ મહાદેવની આરાધનાનો શ્રાવણ માસ શરૂ થતાંની સાથે શિવ મંદિરોના પ્રાંગણ હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા છે. યોગાનુ યોગ આજે શ્રાવણ સુદ એકમને સોમવાર છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે. કેટલાક શિવ ભક્તો સોમવારનો જ ઉપવાસ અને શિવ મંદિરોમાં જળ બિલ્વપત્ર સાથે પૂજા કરે છે. આ વર્ષ પાંચ સોમવારનો સંયોગ હોવાથી શિવ ભક્તોમાં અનોખી ખુશી છે. શહેરના નિર્ણય નગર પાસે આવેલા રામેશ્વર મહાદેવનું વિશાળ કદનું શિવલિંગ અને એની આસપાસના દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. શહેરના અંકુર કામેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, ચકુડીયા મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, કર્ણ મુક્તેશ્વર મહાદેવ સહિત કરતાં વધારે શિવ મંદિરોના પ્રાંગણમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસમાં શિવલિંગ પર દુધ જળના અભિષેકની સાથે લાખોની સંખ્યામાં બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)