નવી દિલ્હીઃ હોળીનો તહેવાર આ વર્ષે માત્ર રંગો અને ખુશીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ બજારોમાં પણ જબરદસ્ત રોનક જોવા મળી રહી છે. આ વખતે દેશભરમાં હોળીના અવસરે 80,000 કરોડ રૂપિયા કરતાં વધુના વેપારનો અંદાજ છે. આ આંકડો ગયા વર્ષની આશરે 60,000 કરોડ રૂપિયાની સરખામણીએ લગભગ 25 ટકા વધુ છે, એમ ટ્રેડર્સની સંસ્થા CAIT (કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ)નો અહેવાલ કહે છે.
કેટના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ વર્ષે બજારોમાં સ્વદેશી ઉત્પાદનોની ભારે માગ છે. ‘વોકલ ફોર લોકલ’ અભિયાનનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળી રહ્યો છે. અગાઉ હોળી પર ચીની સામાન વધુ વેચાતો હતો, પરંતુ હવે ભારતીય હર્બલ ગુલાલ, પ્રાકૃતિક રંગો, પિચકારીઓ, ફુગ્ગા અને પૂજન સામગ્રીનું વેચાણ તેજ બન્યું છે.
રંગ અને ગુલાલ સિવાય મીઠાઈ, ડ્રાયફ્રૂટ, ગિફ્ટ આઇટમ, કપડાં અને દૈનિક ઉપયોગની વસ્તુઓની પણ ભારે ખરીદી થઈ રહી છે. ખાસ કરીને સફેદ ટી-શર્ટ, કુર્તા-પાયજામા, સલવાર-સૂટ અને ‘હેપ્પી હોળી’ લખેલી ટી-શર્ટની માગ વધી છે. મીઠાઈની દુકાનોમાં પરંપરાગત ગુજિયાના વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો છે. દિલ્હીમાં જ અંદાજે 15,000 કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. શહેરના હોલસેલ અને રિટેલ બજારો રંગબેરંગી ગુલાલ અને આકર્ષક પિચકારીઓથી સજ્જ છે. દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
આ ઉપરાંત હોળી મિલન સમારોહોએ પણ વેપારને વેગ આપ્યો છે. દિલ્હીમાં 3000થી વધુ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. તેને કારણે બેન્ક્વેટ હોલ, ફાર્મ હાઉસ, હોટેલ અને રેસ્ટોરાં લગભગ ફુલ બુક છે. આ વર્ષે લોકો કેમિકલ રંગોની બદલે હર્બલ અને પ્રાકૃતિક રંગોને વધુ પસંદ કરી રહ્યા છે. બાળકોમાં સ્પાઈડરમેન અને છોટા ભીમ જેવી પિચકારીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
ટ્રેડર્સનું કહેવું છે કે ભારતમાં તહેવારો માત્ર પરંપરા જ નહીં, પરંતુ અર્થતંત્રને ગતિ આપનાર શક્તિ પણ છે. આ વર્ષની હોળી નાના વેપારીઓ, કુટિર ઉદ્યોગો અને MSME ક્ષેત્ર માટે ખાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે.


