નવી દિલ્હીઃ હોળીનો તહેવાર ફક્ત રંગો વિશે જ નહીં, પરંતુ ખોરાક અને સ્વાદિષ્ટ વાનગીઓ વિશે પણ છે. મીઠાઈની દુકાનોમાં ગુજિયા જેવી પરંપરાગત હોળીની મીઠાઈઓનું વેચાણ વધુ જોવા મળી રહ્યું છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના ગુજરાત અધ્યક્ષ પ્રમોદ ભગતના જણાવ્યા અનુસાર 13 માર્ચે હોલિકા દહન ઊજવવામાં આવશે, ત્યાર બાદ 14 માર્ચે રંગોનો તહેવાર ધુળેટી ઉજવવામાં આવશે.
બજારો રંગબેરંગી ગુલાલ, પિચકારી અને ગુજિયા માળાથી ધમધમતા છે. સંબંધીઓને ફળો અને મીઠાઈઓ ભેટ આપવાની પરંપરાને કારણે ખરીદીમાં વધારો થયો છે. CAIT ના રાષ્ટ્રીય મહાસચિવ અને ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ગયા વર્ષોની જેમ વેપારીઓ અને ગ્રાહકોએ આ હોળી પર ચીની વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે.તેના બદલે, ભારતીય બનાવટના હર્બલ રંગો, પિચકારી, ફુગ્ગા અને અન્ય વસ્તુઓના વેચાણમાં વધારો થયો છે.
આ વર્ષે પણ દિલ્હી અને ભારતના અન્ય ભાગોમાં ભવ્ય હોળી ઉજવણી જોવા મળી રહી છે. બેન્ક્વેટ હોલ, ફાર્મહાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર ઉદ્યાનોમાં અસંખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફક્ત દિલ્હીમાં જ 3000થી વધુ હોળી મેળાવડા થઈ રહ્યા છે.
CAITના ડેટા સૂચવે છે કે આ વર્ષની હોળી વેપારીઓ માટે રૂપિયા 60,000 કરોડથી વધુનો વેપાર કરી શકે છે, જે ગયા વર્ષના રૂપિયા 50,000 કરોડથી લગભગ 20 ટકા વધુ છે. ફક્ત દિલ્હીમાં જ રૂપિયા 8000 કરોડથી વધુનો વેપાર થવાની ધારણા છે.
તહેવારોની મોસમને કારણે વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકોનો ખર્ચ વધ્યો છે. રંગો સાથે રમવા માટે સફેદ ટી-શર્ટ અને કુર્તા-પાયજામાની માંગ નોંધપાત્ર છે. હેપ્પી હોળી ટી-શર્ટ ખરીદદારોમાં લોકપ્રિય છે. આ ઉત્સાહપૂર્ણ ઉજવણી માત્ર આનંદ જ લાવતી નથી, પરંતુ દેશભરમાં સ્થાનિક અર્થતંત્રને પણ નોંધપાત્ર રીતે વેગ આપે છે.
