નવી દિલ્હીઃ વાયદા બજારમાં ગુરુવારે ચાંદીના ભાવ ચાર લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક સ્તરને પાર કરી ગયા હતા. એ સાથે જ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.8 લાખ રૂપિયાના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. રોકાણકારોની મજબૂત માગ આ તેજીનું મુખ્ય કારણ છે.
મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર માર્ચ ડિલિવરી વાળા ચાંદીના કરારનો ભાવ 22,090 રૂપિયા અથવા 5.73 ટકાના વધારાની સાથે 4,07,456 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
સોનાના વાયદા ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો. MCX પર ફેબ્રુઆરી ડિલિવરીવાળા સોનાના કરારનો ભાવ 14,586 રૂપિયા અથવા 8.8 ટકા વધીને 1,80,501 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ પર પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારમાં સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ
આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ (COMEX) પર સોનાના વાયદા ભાવ પ્રથમ વખત 5600 અમેરિકી ડોલર ઔંસદીઠને પાર કરી ગયા હતા. એપ્રિલ ડિલિવરીવાળા સોનાનો ભાવ 286.6 ડોલર અથવા 5.4 ટકા વધીને 5626.8 ડોલર ઔંસદીઠના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો હતો. કોમેક્સ બજારમાં ચાંદીના વાયદા ભાવમાં પણ તેજી જોવા મળી અને તે 119.51 ડોલર પ્રતિ ઔંસના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો. વિશ્લેષકોનું કહેવું છે કે ચાંદીની ઔદ્યોગિક માંગમાં વધારો અને અમેરિકી ડોલરની નબળાઈને કારણે ચાંદીના ભાવને વધુ ટેકો મળ્યો છે, જેને કારણે છેલ્લાં કેટલાંક સત્રોમાં ચાંદી સોનાથી પણ સારું પ્રદર્શન કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે આર્થિક અનિશ્ચિતતા અને વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે વેપારીઓ સુરક્ષિત રોકાણ (Safe Haven) તરીકે સતત ખરીદી કરી રહ્યા છે, જેને કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
એક સપ્તાહમાં સોનું-ચાંદી કેટલું મોંઘું થયું?
MCX પર 21 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ 3.18 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો, જે હવે લગભગ 88,000 રૂપિયા વધીને ચાર લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે. એ જ રીતે, સોનાનો ભાવ 21 જાન્યુઆરીએ 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે હવે લગભગ 33,000 રૂપિયા વધીને 1.93 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે.




