નવી દિલ્હીઃ દેશમાં ‘અત્યંત ગરીબી’ (Extreme Poverty) લગભગ સંપૂર્ણ રીતે ખતમ થઈ ચૂકી છે. જોકે હિંદુઓમાં અત્યંત ગરીબી મુસ્લિમોની તુલનાએ થોડી વધારે છે, એમ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા દ્વારા રજૂ કરાયેલા તાજા સંશોધનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
આ સંશોધન મુજબ 2011-12થી 2023-24 દરમિયાન ભારતમાં અત્યંત ગરીબી લગભગ ખતમ થઈ ગઈ છે. નવા આંકડા દર્શાવે છે કે મુસ્લિમોમાં ગરીબી દર (1.5 ટકા) હિંદુઓ (2.3 ટકા)ની તુલનાએ થોડો ઓછો છે.
રિસર્ચ પેપર જણાવે છે કે 2022-23માં પણ આવું જ અંતર જોવા મળ્યું હતું — મુસ્લિમોમાં અત્યંત ગરીબી દર 4 ટકા હતો, જ્યારે હિંદુઓમાં 4.8 ટકા, એટલે કે મુસ્લિમોમાં 0.8 ટકા પોઈન્ટ ઓછો. પેપર કહે છે કે જ્યારે દેશમાં અત્યંત ગરીબી લગભગ ગાયબ થઈ ચૂકી છે, ત્યારે એ માન્યતા છે કે મુસ્લિમોમાં હિંદુઓ કરતાં વધુ ગરીબી છે — ઓછામાં ઓછું અત્યંત ગરીબીને મામલે — હવે એ વાત સાચી નથી.
વિશ્વ બેંક દિન-પ્રતિદિન ત્રણ ડોલર કરતાં ઓછા ડોલર પર જીવતા લોકોનું વર્ગીકરણ ‘અત્યંત ગરીબ’ તરીકે કરે છે (PPP આધાર પર). આ સીમા તેન્ડુલકર ગરીબી રેખા નજીક માની શકાય, જે ભારતમાં સત્તાવાર રીતે અપનાવવામાં આવેલી છેલ્લી ગરીબી રેખા હતી.

પેપરે સામાજિક, ધાર્મિક અને આર્થિક તમામ જૂથો સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગરીબીનો અંદાજ લગાવ્યો છે. તેનું કહેવું છે કે 2011-12થી 2023-24 વચ્ચે દેશમાં ગરીબીમાં ઘટાડો વ્યાપક અને નોંધપાત્ર રહ્યો છે.
પેપર મુજબ 2011-12ની 21.9 ટકા કુલ ગરીબી ઘટીને 2023-24માં 2.3 ટકા પર આવી છે. એટલે 12 વર્ષમાં 19.7 ટકા પોઈન્ટનો ઘટાડો, દર વર્ષે સરેરાશ 1.64 ટકા પોઈન્ટનો ઘટાડો થયો છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘટાડો
ગ્રામ્ય ગરીબી: 22.5 ટકા પોઈન્ટનો ઘટાડો (દર વર્ષે 1.87 ટકા)
શહેરી ગરીબી: 12.6 ટકા પોઈન્ટનો ઘટાડો (દર વર્ષે 1 ટકાનો)
એસસી, એસટી, ઓબીસી અને અન્યો—બધાં સામાજિક જૂથોમાં ગરીબીમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને એસટી સમુદાયમાં 2023-24માં ગરીબી 8.7 ટકા રહી.
ધાર્મિક જૂથ મુજબ ગરીબી દર
હિંદુ: 2.3 ટકા
મુસ્લિમ: 1.5 ટકા
ખ્રિસ્તી: 5 ટકા
બૌદ્ધ: 3.5 ટકા
શીખ અને જૈન: 0 ટકા
આ પેપરનો મહત્વપૂર્ણ નિષ્કર્ષ એ છે કે *હિંદુ-મુસ્લિમ વચ્ચેની અત્યંત ગરીબીનું અંતર લગભગ ખતમ થઈ ગયું છે.




