અવનવા શણગાર સાથે ઉજવાઈ રહ્યો છે હિંડોળા ઉત્સવ

અમદાવાદ: અષાઢ માસ આવે એટલે વ્રત, ઉપવાસ, ઉત્સવ, આરાધના અને અનુષ્ઠાનના દિવસોની શરૂઆત થઈ જાય. ભગવાન કૃષ્ણના સ્વરૂપને અષાઢ વદ થી શ્રાવણ વદ સતત એક મહિનો હિંડોળે ઝુલાવવાનો ઉત્સવ મંદિરોમાં ઉજવાય છે. શ્રધ્ધાળુઓ ઠાકોરજી માટે કલાત્મક ઝુલો લાવી શણગારી ઘરે પણ હિંડોળાનો ઉત્સવ ઉજવે છે.

સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોરમાં પણ ભવ્ય રીતે હિંડોળાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

કૃષ્ણના મોટાભાગના મંદિરોમાં સાંજના શણગાર પછી હિંડોળા દર્શન શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે. મંદિરો અને તીર્થ સ્થાનોમાં ફૂલો, શાકભાજી, મીનાકારી, લીલોતરી, લીલો મેવો, સુકો મેવો, કમળનો, મોતીનો, પવિત્રા, ડોલરનો, કાચનો, આર્ટિફિશિયલ ફ્લાવરનો એમ વિવિધ પ્રકારની સજાવટ સાથે ઠાકોરજીને હિંડોળે ઝુલાવે છે.

વૈષ્ણવ મંદિરો, હવેલીઓમાં, ગામ શહેરના મોટા મંદિરોમાં હિંડોળાનું આયોજન થાય છે. જ્યાં ભગવાનને ઝુલાવવા ભક્તો ઉત્સવની જેમ ઉજવણી કરે છે. હિંડોળે ઝુલતા ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.અમદાવાદમાં વસ્ત્રાપુર હવેલી, થલતેજ, અસારવા, પાલડી જલારામ મંદિર, વલ્લભ સદન, વ્રજધામ હવેલી સેટેલાઈટ, ગોપાલ ધામ ભૂયંગદેવ, બાલકૃષ્ણ લાલજીની હવેલી મણીનગર, સોલા ભાગવત, નટવર ગોપાલની હવેલી દોશીવાડાની પોળ સહિત અનેક મંદિરો હવેલીઓમાં ભગવાનના વિવિધ હિંડોળે ઝુલી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)