અમદાવાદઃ ગુજરાત સ્થિત H&H એલ્યુમિનિયમ પ્રા. લિમિટેડે રાજકોટમાં દેશનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. રાજકોટના ચીભડા ગામમાં આ વાર્ષિક 24,000 મેટ્રિક ટન (MT) ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગિગાવોટ (GW) સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે એવો સક્ષમ છે.
આ પ્લાન્ટનું ઉદ્ઘાટન 4 જુલાઈ, 2025એ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા વરિષ્ઠ સરકારી અધિકારીઓ, H&H એલ્યુમિનિયમની લીડરશિપ ટીમ અને તમામ આમંત્રિત મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
કંપનીએ 28,000 ચોરસ મીટરના અત્યાધુનિક અને સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ માટેના સૌથી અદ્યતન પ્લાન્ટમાં લગભગ 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પ્લાન્ટમાં ટ્રાયલ ઉત્પાદન જૂન 2025માં શરૂ થયું છે અનેક મહિનાની અંદર કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થવાની ધારણા છે. ફુલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક રૂ. 700-750 કરોડના વેચાણને ટેકો આપી શકશે. આ પ્લાન્ટ 300થી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે.
કંપનીના ડિરેક્ટર ઉત્તમ પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ પ્લાન્ટ હશે અને અમે લગભગ એક વર્ષના રેકોર્ડ સમયમાં આને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ. અમે રાજ્ય સરકાર અને તમામ સંબંધિત વિભાગોના તેમના સમર્થન બદલ આભારી છીએ. હાલમાં ભારત 90-95% એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમની આયાત કરે છે, આ પ્લાન્ટ સાથે અમે મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવા અને સૌરઊર્જા ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તરફ એક અર્થપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ. અમે આગામી એક મહિનામાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.
