શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

અમદાવાદ: વરસાદના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જમાલપુર શાક માર્કેટમાં દરેક શાકભાજીના ભાવમાં સરેરાશ ૪૦ થી ૫૦%નો વધારો થઈ ગયો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોવાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ હચમચી ગયું છે. લોકોના ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતું શાકભાજી એટલે કે ટામેટા, કોબીજ, ફ્લાવર, લીંબુ, મરચાં, ગવાર, ચોળી, ભીંડા, કોથમીર, આદું, લીલાં કાંદા, સુકું લસણ સહિતના શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદના કારણે માલ ન આવતા ભાવ વધ્યા હોવાનું હોલસેલ વેપારીઓનું કહેવું છે.

અમદાવાદના શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યું કે, ગત અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયે રીંગણ, ફૂલાવર, વાલોર, ટામેટા, ચોળી, દૂધી, વટાણા વગેરેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કાકડી, ગુવાર, સરગવો, પરવર, ટીંડોળા, તુરિયા, ગલકા, રવૈયા વગેરેના ભાવમાં પણ વાધારો જોવા મળ્યો છે.છેલ્લાં કેટલાક દિવસથી વરસાદનું જોર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધી રહ્યું છે. જેની સીધી અસર શાકભાજી, ડેરી પ્રોડક્ટ, ફળફળાદિ, ફૂલો તેમજ અન્ય વસ્તુઓ ઉપર પણ પડી રહી છે. ત્યારે અમદાવાદના APMC માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતા તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જે શાકભાજી ૬૦થી ૭૦ રૂપિયા કિલો હતા. તેના હાલ ૧૨૦ થી ૧૪૦ રૂપિયા કિલો ચૂકવવા પડે છે. જો બજારમાં હજુ માલ નહીં આવે તો સામાન્ય લોકોએ શાકભાજી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે.