વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર, સરકારે બે મંત્રીને દોડાવ્યા

વડોદરા: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બન્યું છે. વડોદરામાં પૂરની સ્થિતિ વધારેને વધારે ગંભીર બની રહી છે. જેના કારણે રાજ્ય સરકારે પોતાના બે મંત્રીઓનો તાત્કાલિક વડોદરા દોડાવ્યા છે.

ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વાકર્મા વડોદરામાં ભારે વરસાદના પગલે થયેલા નુકસાન અને રાહત કામગીરીની જાણકારી મેળવી રહ્યા છે. આ બંને મંત્રીઓ વડોદરાના કેટલાંક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી છે. તેમજ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના ધારાસભ્યો સાથે બેઠક પણ યોજશે.

ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ વડોદરાના સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે થયેલ નુકસાન, પાણી ભરાયેલ સ્થળો, રેસ્ક્યુ કામગીરી સહિતની વિગતવાર માહિતી મેળવી.

લોકો વડોદરામાં કેવાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તે જોવા માટે હાલ તો સરકારના બે મંત્રીઓ શહેરમાં પહોંચ્યા છે. પરંતુ લોકોનું કહેવું છે કે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ બંધ થાય તેમજ ઝડપથી રાહત મળે તે માટે સરકાર કેવાં પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું.