રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં થયેલ મેઘમહેરથી લોકોએ આકરી ગરમીથી રાહત અનુભવી છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સોમવારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ત્રણ કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જેનાથી ચારેબાજુ પાણી-પાણી થઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે માણાવદરમાં છેલ્લા 28 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે.ચોમાસાએ રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજાએ ગુજરાત તરફ નજર કરી છે. સોમવારે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી ભારે વરસાદના અહેવાલો છે.
રાજકોટમાં વહેલી સવારે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે ખંભાળિયામાં 6 ઇંચ, વિસાવદર, માણાવદરમાં 4 ઇંચ, મેંદરડા 3 ઇંચ, કાલાવડ 4 ઇંચ, ધોરાજી, વંથલી, કોડીનારમાં અઢીથી ત્રણ ઇંચ, ઉપલેટામાં બે, સુત્રાપાડા, કેશોદ, જૂનાગઢમાં બે ઇંચ, દ્વારકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં અનેક જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ રહી છે.
છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 6 ઇંચ અને આજે સવારે બે ઇંચ વરસાદથી યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં રોડ-રસ્તાને નુક્સાન થતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. પરંતુ ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. વાવણી બાદ સારો વરસાદ પડ્યો છે. હજુ પણ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે. માણાવદર, ખંભાળિયામાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર – નીશુ કાચા)