મુંબઈમાં ભારે વરસાદ, ટ્રેન વ્યવસ્થા ખોરવાઈ, લોકોને હાલાકી

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થઈ ગયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ સહિત ઉપનગરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદાને કારણે મુંબઈવાસીઓની જીવન વ્યવસ્થા ખોરવાઈ છે. તેમજ ધોધમાર વરસાદને કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. શહેરમાં ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે.

રવિવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં ઘણી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ લોકલ સેવાઓ ધીમી ગતિએ ચાલી રહી છે. જેના કારણે સવારે મુંબઈગરાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. થાણે, વસઈ, પાલઘર, રાયગઢ, કોલ્હાપુરી, સાંગલી, ઘાટકોપર અને કુર્લા સહિતના કેટલાક એરિયામાં ટીમ સ્થાયી છે.

– મધ્ય રેલવે પર કર્જત-ખોપોલી, કસારાથી સીએસએમટી લોકલ માત્ર થાણે સુધી જ ચાલે છે અને તેને આગળ રદ કરવામાં આવી છે.
– ભાંડુપ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મધ્ય રેલવે લાઇનને અસર થઇ છે.
– કુર્લા-માનખુર્દ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી જમા થવાને કારણે હાર્બર રૂટ પરની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
– વડાલામાં પાણી ભરાવાને કારણે ગોરેગાંવ-સીએસએમટી લોકલને આગલી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 3-4 દિવસ સુધી મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં 8 જૂલાઈથી 10 જૂલાઈ સુધી ધોધરમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મુંબઈમાં છેલ્લા પાંચ કલાકમાં (બપોરે 12 થી 5 વાગ્યા સુધી) ભારે વરસાદ થયો

કયા સ્થળે કેટલો મીમી વરસાદ?
સાન્તાક્રુઝ 161
ચેમ્બુર 157
મીરા રોડ 151
મુલુંડ 143
વિલે પાર્લે 138
દહિસર 128
ગોરેગાંવ, માટુંગા, વડાલા 125
મેરોલ 124
કાંદિવલી, અંધેરી 120
ભાંડુપ 115
કુર્લા, મરીન ડ્રાઈવ 101
દાદર 96