રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તો ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમજ સુત્રાપાડામાં અને ધોરાજીમાં પણ વરસાદે તારાજી સર્જી છે. તેમજ જૂનાગઢમાં પણ વરસાદે તારાજી સર્જી છે. ત્યારે રાજયમાં હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે.

વરસાદને લઈને હવામાન વિભાની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદની વાત કરવામા આવે તો આજે અમદાવાદમાં સામાન્ય અને આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે.

આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા તથા નગર હવેલીમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ , જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ અને વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદ વરસી શકે છે.. ઉપરાંત સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદ રહેશે. તો દ્વારકા જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

જાણો અંબાલાલ પટેલે શું કહ્યું

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબઆગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો જોર યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આગામી 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

 

ભારે વરસાદથી ડેમ છલકાયા

મહત્વનું છે કે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે અનેક ડેમ અને નદીનાળા છલકાયા છે. ભાવનગરમાં સારો વરસાદ વરસ્યો હોવાથી શેત્રુંજી ડેમ 99 ટકા ભરાઈ ગયો છે. ત્યારે હવે પાલિતાણા અને તળાજાના 18 ગામોમાં હાઇએલર્ટ જાહેર કરાયા છે. ડેમની સપાટી 33.11 ફૂટ પર પહોંચી ગઈ છે. તો ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમ જ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.