ગુજરાત સહિત દેશભરમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજ્યના 31થી વધુ તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 28 મે સુધી રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 26 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાય સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 27 મેના રોજ 8 જિલ્લામાં ભારે વરસાદને હવામાનની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 28 મેના રોજ નવસારી, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
31થી વધુ તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો
રાજ્યમાં 31થી વધુ તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં વલસાડના વાપી, નવસારી અને નવસારીના વાસંદામાં 1 થી 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે 28 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
