HDFC બેંકે એરફોર્સ અને CSC એકેડમી સાથે MoU કર્યા

અમદાવાદઃ દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકે આજે આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ – એકાઉન્ટ્સ એન્ડ એર વેટ્રન્સના કાર્યાલય મારફતે ભારતીય વાયુ સેના અને CSC એકેડમી સાથે એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ દિવસના રોજ પ્રોજેક્ટ HAKK (હવાઈ અનુભવી કલ્યાણ કેન્દ્ર)ને પણ લોન્ચ કરવામાં આવ્યો હતો, જે સંરક્ષણ સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને સેવા પૂરી પાડશે. આ પ્રોજેક્ટ HAKKની રચના ડિફેન્સ પેન્શનરો, સેવાનિવૃત્તો અને તેમના પરિવારજનોને સપોર્ટ અને સેવા પૂરાં પાડવા માટે કરવામાં આવી છે.

શરૂઆતમાં વિવિધ એર ફોર્સ યુનિટોમાં 25 કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં નવી દિલ્હી, બેંગલુરુ, ગુડગાંવ, પૂણે, સિકંદરાબાદ, ગુવાહાટી, જોધપુર અને ચંડીગઢનો સમાવેશ થાય છે.

HDFC બેંક તેના પરિવર્તન પ્રોગ્રામ હેઠળ સંરક્ષણ સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આર્થિક સમાવેશકતાનું નિર્માણ કરવાની પ્રવૃત્તિઓમાં સાંકળશે. CSC એકેડમી (કોમન સર્વિસ સેન્ટર ઈ-ગવર્નન્સ લિમિટેડ દ્વારા સમર્થિત)ના સહયોગમાં બેંક તેમનો કૌશલ્ય વિકાસ કરશે તથા નાણાકીય ઉત્પાદનો અને સેવાઓમાં તેમને તાલીમ પૂરી પાડશે, જેથી કરીને તેઓ આર્થિક રીતે પગભર થઈ શકે. આ MoU પર હસ્તાક્ષર કરતી વખતે હાજર રહેલા પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં એર માર્શલ પી. કે. ઘોષ (એવીએસએમ) – એર ઓફિસર ઇન ચાર્જ એડમિનિસ્ટ્રેશન; HDFC બેંકનાં ગ્રુપ હેડ સ્મિતા ભગત, CSC એકેડમીના ચેરમેન સંજય રાકેશ તથા ભારતીય વાયુ સેના, HDFC બેંક અને CSC ઈ-ગવર્નન્સના અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

HDFC બેંકના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને અલ્ટર્નેટ બેંકિંગ ચેનલ્સ એન્ડ પાર્ટનરશિપ્સના બિઝનેસ હેડ સત્યેન મોદી, એર વાઇસ માર્શલ ઉપદેશ શર્મા (VSM) – આસિસ્ટન્ટ ચીફ ઓફ ધી એર સ્ટાફ (એકાઉન્ટ્સ અને એર વેટ્રન્સ) તથા CSC એકેડમીના CEO પ્રવીણ ચાંદેકર દ્વારા આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વાત કરતાં સ્મિતા ભગતએ જણાવ્યું હતું કે આ MoU ભારતીય વાયુ સેનાના સેવાનિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ કરવાની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે. HDFC બેંક સશસ્ત્ર દળોએ દેશ માટે આપેલાં યોગદાનોનો હૃદયપૂર્વક આદર કરે છે અને અમારો ઉદ્દેશ આ કેન્દ્રો મારફતે સેવાનિવૃત્ત સૈનિકો તથા સેવા નિવૃત્ત અને શહીદ એમ બંનેના પરિવારોને આવશ્યક બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.