રાજકોટ: સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું, એવા લોકપ્રિય સાહિત્યકારની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્રદવે મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ 2005થી ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ એનાયત કરે છે. વર્ષ 2023 માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે.
સાહિત્ય વિભાગમાં અમદાવાદ સ્થિત કવિ કૃષ્ણ દવે, પત્રકારત્વ વિભાગમાં અમદાવાદસ્થિત પત્રકાર ભાર્ગવ પરીખ અને કલા વિભાગમાં મુંબઈ સ્થિત સ્વરકાર સુરેશ જોશીની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય પારિતોષિક કથાકાર મોરારિ બાપુના હસ્તે એનાયત કરવામાં આવશે. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂ. 51,000(એકાવનહજાર)ના ચેકનો સમાવેશ થાય છે.
પારિતોષિક અર્પણ કાર્યક્રમનું આયોજન 29 નવેમ્બરના રોજ સાંજે શ્રી કે.જી.ધોળકિયા સ્કૂલ સભાગૃહ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે સૌ સાહિત્યરસિકોને જાહેર નિમંત્રણ છે. ઉલ્લેખનીય છે કે હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે નવીનભાઈ દવે તો ટ્રસ્ટી તરીકે રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત તથા હિતેન આનંદપરા, ગોપાલ દવે, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોષી કાર્યરત છે.