હાર્દિક પટેલ હવે પોતાની જ સરકાર સામે આંદોલન કરશે !

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આંદોલનને કારણે જાણીતા છે પહેલા પણ તેમણે કેટલીક સમસ્યાને લઈને સરકાર સામે મોરચો માંડ્યો હતો. અને ફરી એક વાર હાર્દિક પટેલ આંદોલનના માર્ગે જશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કેતન ઈનામદાર, મનસુખ વસાવા, કુમાર કાનાણી અને હવે હાર્દિક પટેલ જેવા દિગ્ગજ નેતાઓ પોત પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને વિરોધમાં ઉતર્યા છે. હાર્દીક પટેલે કૃષિ મંત્રીને પત્ર લખી સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ખેડુતોના હિત માટે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

 

હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખ્યો હતો પત્ર

તાજેતરમાં હાર્દિક પટેલે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. જેમાં હાર્દીક પટલે દેશી કપાસને ટેકાના ભાવમાં સામેલ કરવાની માંગ કરી હતી. અને ત્યારબાદ હાર્દિક પટેલે કૃષિમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી. જેમાં કૃષિ મંત્રીએ કહ્યું હતુ કે દેશી કપાસની એમએસપી નક્કી કરાય નથી. ત્યારે હાર્દિક પટેલે કહ્યું કે દેશી કપાલ-કાલાનો સમાવેશ કેવી રીતે એમએસપીમાં થાય તેની ચર્ચા કૃષિ મંત્રી સાથે કરી છે.

હાર્દિક પટેલે પત્રમાં શું લખ્યું હતું ?

ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો જેમાં હાર્દીક પટેલે લખ્યું હતુ કે દેશી કપાસ ઉગાડતા ખેડૂતોનું તોલમાપમાં વેપારીઓ દ્વારા શોષણ થાય છે. જેના મુદ્દા જણાવ્યા હતા. જેમાં પહેલા મુદ્દામાં લખ્યું હતુ કે વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા, ધંધૂકા અને લખતર તાલુકામાં દેશી કપાસનું વાવેતર થાય છે. અને પાકને તૈયાર થતા છ માસ થાય છે. જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાની જરુર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોત્સાહન મળે તે જરુરી છે. હજી સુધી આ કપાસનો ટેકામાં સમાવેશ થયો નથી. અને બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે. આમ હાર્દિક પટેલે આ પત્ર લખી દેશી કપાસની ખેતી કરતા ખેડૂતોનું શોષણ અટકાવવા વિનંતી કરી હતી. અને વેપારીઓ દ્વારા થતુ શોષણ અટકાવવામાં નહી આવે તો તેમણે આંદોલનની ચીંમકી પણ આપી છે.

હાર્દિક પટેલના પત્રથી રાજકારણ ગરમાયું 

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વિરોધી પક્ષ નહી પરંતુ ભાજપના જ દિગ્ગજ નેતાઓ તેમના વિસ્તારની સમસ્યાઓને લઈને સરકાર સામે શિંગડા ભેરવી રહ્યા છે. ત્યારે હાર્દીક પટેલ પણ પત્ર લખી સમસ્યાનું નિરાકરણ નહી આવે તો આંદોલનની ચીમકી આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.