કચ્છ: એ વિરાટ મહાસાગર પણ સાવ નાનો લાગે, જ્યારે ‘મ’ ને કાનો લાગે… આજે આપણે મમતાના મહાસાગર સમી એક એવી માતાની વાત કરવાના છીએ, જેમણે દીકરીના ઝંઝાવાતી જીવનમાં પડછાયાની પાળ બાંધી જાણે પુનઃજન્મ આપ્યો. ગુજરાતના છેવાડાના જીલ્લા કચ્છના ભૂજ ખાતે રહેતા માતા દિપાલીબેન જોતીયાણાએ દીકરી અલ્કાને ધામધૂમથી પરણાવ્યા બાદ જવાબદારી પૂર્ણ થયાની રાહત અનુભવી હતી. ત્યાંજ દીકરી સાસરેથી અચાનક પરત ફરી અને એ પણ પોતાની એક વર્ષની દીકરીને લીધા વગર. આ અસહ્ય વેદનાથી જાણે તેમના પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો. અચાનક આવી પડેલા આઘાતને કારણે થોડા દિવસ તો દિગ્મૂઢ થઈને તેઓ ભવિષ્ય વિશે વિચારી ન શક્યા પરંતુ સમયમાં બધા ઘા રુઝવવાની તાકાત છે.
એક વર્ષ અગાઉ તેમણે ભૂજ સ્થિત અદાણી સક્ષમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. દિપાલીબેને દીકરીને ફરી ઉભી કરવાના ભાગરૂપે અલ્કાને સક્ષમના ‘જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA)’ કોર્સમાં પ્રવેશ લેવા પ્રેરિત કરી. અલ્કાની કારકિર્દીને નવી દિશા મળે તે હેતુથી તેને સક્ષમ કોર્સમાં એડમિશન લેવા સમજાવી પરંતુ સમયની પછડાટના કારણે અલ્કા એટલો આત્મવિશ્વાસ જાગૃત ન કરી શક્યા. એવા સમયે દિપાલીબેન દીકરીની હિંમત બન્યા. તેમણે વિદ્યાર્થી બની જીડીએ કોર્સમાં પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ મા-દીકરીને અદાણી સ્કીલ ડેવલપેન્ટ સેન્ટર-ASDCનું સર્ટિફિકેટ એનાયત થયું.
એ સોનેરી દિવસોને યાદ કરતા આજે પણ દિપાલીબેનની આંખો ભરાઈ આવે છે. તેમના શબ્દોમાં કહીએ તો “જેમ માતા પોતાના સંતાનને પ્રેમરૂપી અમૃતથી સીંચે છે તેમ, અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરે અમારામાં આત્મવિશ્વાસનું રોપણ કર્યું છે. ભૂજની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી પગભર બનેલી અલ્કા આજે પ્રેરણારૂપ બની છે.”
મા-દિકરીની અનોખી જુગલબંદી આજે સમાજના અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે અને તેમાં માધ્યમ બન્યું અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર. છેલ્લા 12 વર્ષથી ભુજની ખાનગી હોસ્પિટલમાં દીપાલીબેન નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ સક્ષમના પ્રમાણપત્રથી તેમને નવી ઓળખ મળી છે. આજે તેઓ નર્સીંગ આસિસ્ટન્ટ બની દર્દીઓની સેવા કરવાનું ગૌરવ અનુભવે છે.
ASDC દ્વારા GDA જેવા 70 થી વધુ ટૂંકાગાળાના કોર્સીસ ચલાવવામાં આવે છે. જેને સફળતાપૂર્વક પૂર્ણ કરી તાલીમાર્થીઓ રોજગારી/સ્વરોજગારની વિપુલ તકો પ્રાપ્ત કરી શકે છે.