વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ નવા H-1B વિઝા અરજીઓ પર 1,00,000 ડોલરની ભારે ફી લગાવવાનું એલાન કર્યું છે. આ પગલાની ટીકા માત્ર ભારત જેવા દેશોએ જ નહીં, પરંતુ અમેરિકન મિડિયાએ પણ કરી છે. અનેક અમેરિકન મિડિયા આઉટલેટ્સે ચેતવણી આપી છે કે આ નીતિ તે ગ્લોબલ ટેલેન્ટને અમેરિકાથી દૂર કરી શકે છે, જેણે અમેરિકાને ટેકેનોલોજી સુપરપાવર બનાવવામાં મદદ કરી છે. અમેરિકન મિડિયાએ આ વાતને ઉજાગર કરી છે કે કેવી રીતે ભારતીય એન્જિનિયરો અને કોડર્સ દાયકાઓથી સિલિકોન વેલીમાં ઈનોવેશન કરી રહ્યા છે.
CNBCએ એક રિપોર્ટમાં ચેતવણી આપી છે કે આ પગલાથી અમેરિકા ‘દુનિયાનું પ્રીમિયર ટેલેન્ટ હબ’ બનવાથી દૂર થઈ શકે છે. કેનેડા, સિંગાપુર અને બ્રિટન પહેલાથી જ વિદેશી ટેક વર્કર્સ માટે રસ્તા સરળ બનાવવા લાગ્યા છે. આ વર્કર્સમાં ઘણા ભારતીય છે. જ્યારે વોશિંગ્ટન તેમની એન્ટ્રીને અત્યંત મોંઘી બનાવી રહ્યો છે.
અમેરિકાની ટોચની ટેક કંપનીઓમાં કામ કરવા માટે હજારો સ્કિલ્ડ ભારતીયો વિઝા રૂટનો મોટા પાયે ઉપયોગ કરે છે. અમેરિકન સરકારે સ્પષ્ટ કર્યું છે કે H-1B વિઝા અરજીની 1 લાખ ડોલરની નવી ફી ફક્ત નવા અરજદારો પર લાગુ થશે અને હાલના વિઝાધારકો અથવા વિઝા રિન્યુઅલ પર તેનો કોઈ અસર નહીં થાય.
ન્યુ યોર્ક ટાઈમ્સે આ પગલાને ભારતના પ્રતિભાશાળી મગજ પર “સીધો પ્રહાર” ગણાવ્યો છે. એ પણ કહેવામાં આવ્યું કે H-1B વિઝા અરજીઓ પર 1,00,000 ડોલરની ફીનો નિર્ણય શિક્ષણ, રિસર્ચ અને ઈનોવેશનમાં દાયકાઓથી ચાલતા અમેરિકા-ભારત સહયોગને તોડી શકે છે. આ પગલાથી અમેરિકન કંપનીઓ માટે ભારતમાંથી કર્મચારીઓને ભરતી કરવી લગભગ 20–30 ગણી મોંઘી થઈ જશે.
એક એનાલિસિસમાં CNNએ કહ્યું કે ટ્રમ્પનો નવો નિર્ણય ભારતના સ્કિલ્ડ પ્રોફેશનલ્સ પર અસમાન અસર કરશે અને લાખો લોકોની કરિયરનો રસ્તો બદલાવી દેશે. આ તે ટોચની ટેક કંપનીઓના બિઝનેસ મોડલને પણ અસર કરશે, જે ગ્લોબલ ટેલેન્ટ પર ખૂબ જ નિર્ભર છે. આજે અમેરિકામાં કેટલાક સૌથી સફળ કોર્પોરેટ નેતાઓ H-1B સિસ્ટમની જ દેન છે.


