મુંબઈના કાંદિવલી ખાતે 26 જુલાઈએ કળા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં કાર્યરત સંવિત્તિનું અનોખું રચનાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરસિંહ મહેતાના જીવનની સંઘર્ષમય વાતો અને રસપ્રદ પદોએ શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતાં.
આદિ કવિ નરસિંહ મહેતાના જીવન-કવન આધારિત “ભણે નરસૈંયો” કાર્યક્રમમાં સાહિત્ય, કળા, સંગીત અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સમાજમાં સાહિત્ય માટેની જાગ્રુતિ લાવવાના લક્ષ્ય સાથે કામ કરતી સંસ્થા સંવિત્તિએ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. સંવિત્તિએ આ વખતે દસ વર્ષ બાદ ભક્તકવિ નરસિંહ મહેતાના જીવન તેમ જ કવન ઉપર આધારિત તેમના પદોની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી, જેને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો હતો.
સંવિત્તિ સંસ્થાના સ્થાપક સભ્ય કીર્તિભાઈ શાહે શ્રોતાઓનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું. આ સાથે જ તેમણે ડૉ. વિજય પંડયા, ચિત્રકાર અતુલ ડોડિયા, વૈજ્ઞાનિક જે.જે.રાવલ, ડૉ. પંકજ જોશી, વગેરે જેવા અનેક મહાનુભાવોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે હાજર ડૉ.દિનકર જોષીનો તેમણે ખાસ આભાર વ્યકત કર્યો હતો.
નરસિંહ મહેતાના પદો ગાઈને સંગીતયુક્ત ભક્તિમય વાતાવરણ સર્જનાર ગાયક કલાકારોમાં વરિષ્ઠ ગાયક મહેશ શાહ, જાણીતા ગાયિકા શ્રધ્ધા શ્રીધરાણી, તોરલ ગોરડિયા, મૈધીશ વૈદ્ય, આયુષ ઉપાધ્યાય, ગાયિકા ભાવિ ભટ્ટ ઉપાધ્યાય, ભાવનાબેન મહેતાનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શરૂઆત તોરલ ગોરડિયાએ અતિ પ્રસિદ્ધ પદ ‘જાગને જાદવા’ થી કરી હતી. તેમણે અન્ય એક પદ ‘ભોળી રે ભરવાડણ’ ગાયુ હતું. સૂરીલી ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણીએ ‘નિરખને ગગનમાં’ અને ‘ભૂતળ ભક્તિ’ એ પદો ગાઈને ખૂબ જ અલૌકિક વાતાવરણ ઊભુ કરી દીધું હતું. ભાવના મહેતાએ ખૂબ જ પ્રચલિત રાસ ‘નાગર નંદજીના લાલ’ તેમ જ મહાત્મા ગાંધીજીનું અતિ પ્રિય અને કાયમ લોકજીભે રહેતું ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાયુ હતુ. આયુષ ઉપાધ્યાયે મેહુલો ગાજે, જે ગમ્યું જગતગુરુ, જાગીને જોઉં તો જગત, મૈધીશ વૈધે રામ સભામાં,સુખ દુઃખ મનમાં, ગાયિકા ભાવિ ભટ્ટ ઉપાધ્યાયે પોતાના બુલંદ અવાજની ધારામાં ‘હૂંડી’ અને ‘આજની ઘડી રળિયામણી’ જેવા પદો ગાઈને શ્રોતાઓને આનંદના સાગરમાં તરતા કરી દીધા હતા.
કાર્યક્રમના સંચાલનની જવાબદારી અમૃત બારોટ દ્વારા નિભાવવામાં આવી હતી. તેમણે ખૂબ જ નોખી શૈલીમાં નરસિંહ મહેતાના જીવનકવનને વર્ણવ્યું હતું. સંવિત્તિના સ્થાપક સભ્ય મયુર દવે અને સ્થાપક સભ્ય સંજય ગોહિલે પણ કાર્યક્રમ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. રિધમિસ્ટ અને તબલાંવાદક કીર્તિ શાહે વાદ્યવૃંદનું સુંદર સંચાલન કર્યું હતું. કાર્યક્રમના સમાપનમાં સંવિત્તિના સભ્ય જયેશ ચિતલિયાએ શ્રોતઆઓનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે આજે આપણને નરસૈંયાએ ભણાવ્યા, હવે આપણે તેને યાદ કરીએ, યાદ પછી તેનું મનન કરીએ અને મનન બાદ જીવનમાં તેનો અમલ કરીએ. નરસિંહ તો કૃષ્ણ સુધી પહોંચ્યા, આપણે નરસિંહ સુધી પહોંચીએ તો પણ જીવન સાર્થક થઈ શકે.
કલાકારો તબલા વાદક કીર્તિ શાહ ઉપરાંત કીબોર્ડ ઉપર ભાવેશ દવે તેમ જ નીલેશ શાહ, પરક્યુસનીસ્ટ વૈભવ દોશી, ઓડિઓ આર્ટિસ્ટ પ્રમિત છેડા, વાંસળી વાદક પાર્થ વ્યાસ, સંગીત સાધક અશોક મિસ્ત્રી સહિતના કલાકારોએ કાર્યક્રમમાં રંગ રાખ્યો હતો.આ પ્રસંગે કાંદિવલી એજયુકેશન સોસાયટીના ટ્રસ્ટી વિનોદ શાહ, બીજલ દત્તાણી સહિત શ્રી લોહાણા મહાજનવાડીનાં ટ્રસ્ટી મંડળનાં સભ્યો ઉપરાંત અનંતરાય મહેતા, વસંત શાહ, વિનિત શુકલ, વગેરે જેવા અનેક અગ્રણી નાગરિકો અને રસિકજનો હાજર રહ્યા હતા. કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્રએ પણ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામમાં શ્રી મુંબઈ હાલાઈ લોહાણા મિત્ર મંડળે પણ સહયોગ આપ્યો હતો.
(અહેવાલ: સોનલ કાંટાવાલા)
