ગુજરાતના ખેલાડીઓ વૈશ્વિક સ્પર્ધાઓમાં 116 મેડલ જીત્યાં, દેશમાં 903 મેડલ લાવ્યાં

0
596

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના યુવાધનની કાબેલિયત તથા રમતગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા “ખેલમહાકુંભ” અને “ખેલો ઇન્ડિયા” થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સશક્ત મંચ પૂરો પાડવા સક્રિય એવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક  પ્રવૃત્તિઓ વિભાગ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે  રૂપિયા પ૭૯.૨૬ કરોડની  અંદાજપત્રીય જોગવાઇ કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી છે.ખેલમહાકુંભમાં આ વર્ષે 45 લાખ ખેલાડી ભાગ લે તેવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના પ્રધાન ઈશ્વરસિંહ પટેલે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની  રૂ.૫૭૯.૨૬ કરોડને માગણીઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતા ઈશ્વરસિંહે જણાવ્યુ કે, રમતગમતને પ્રોત્સાહન આપવાની રાજય સરકારની નીતિને લઈ છેલ્લા ૨ વર્ષમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં રાજયના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં ૧૫૦ ગોલ્ડ, ૨૬૩ સિલ્વર અને ૪૯૦ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૯૦૩ મેડલ મેળવેલ છે.

તો આંતરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ૭૩ ખેલાડીઓએ ૬૫ ગોલ્ડ, ૩૪ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૧૧૬ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ડાંગની દીકરી સરિતા ગાયકવાડ, મુરલી ગાંવિત, હરમિત દેસાઈ, માનવ ઠક્કર, અંકિતા રૈના, કુ.એલાવેનીલ, કુ.તસ્નીમ મીર, આર્યન નહેરા, ધ્વજ હરીઆ, કુ. વૈદેહી ચૌધરી જેવી અનેક પ્રતિભાઓએ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ પ્રદાન કર્યુ છે. ઈશ્વર સિંહે જણાવ્યુ કે,  તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબની દીર્ધદ્રષ્ટીને પરિણામે રાજયમાં ૨૦૧૦થી નિયમિત રીતે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજનના પરિણામે પ્રતિ વર્ષ ખેલમહાકુંભમાં ભાગ લેનારાઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ગત વર્ષે ૨૦૧૮માં યોજાયેલ ખેલમહાકુંભમાં ૪૨,૦૯,૧૧૦ રમતવીરો રજિસ્ટ્રેશન કરાવેલ અને ૩૫,૪૪,૫૪૭ રમતવીરોએ ભાગ લીધો હતો. આ વર્ષે રજિસ્ટ્રેશનનો લક્ષ્યાંક ૪૫ લાખ કરવાનું આયોજન છે.

રમતગમત ક્ષેત્રે ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે ચાલુ વર્ષે ખેલ મહાકુંભ હેઠળ જિલ્લા અને રાજય કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓને કુલ રૂ.૪૦ કરોડ જેટલી રકમના પુરસ્કાર અને આયોજન માટે રૂ.૭૬ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આ સાથે દિવ્યાંગ ખેલાડીઓને માટે પણ દર વર્ષની જેમ સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે  રૂ. ૯ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

ઈશ્વરસિંહે જણાવ્યુ કે, ખેલકૂદને જીવનનો હિસ્સો બનાવવાના ધ્યેય સાથે વિદ્યાર્થીઓને શાળા જીવન દરમિયાન જ શિક્ષણની સાથે ખેલકુદ અંગેની યોગ્ય તાલીમ મળી રહે તે માટે ઇનસ્કૂલ અને ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના અમલમાં મૂકી છે.

અત્યારે ૨૮ જિલ્લાઓમાં ૪૦ ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં કુલ ૫૦૦૦ થી વધારે  વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે વિવિધ રમતોમાં નિષ્ણાત કોચ અને ટ્રેનર દ્વારા પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. જયારે રપ૧ શાળાઓમાં  ઇનસ્કૂલ યોજના શરૂ  કરવામાં આવી છે.  જેમાં  આશરે  ર લાખ જેટલા વિધાર્થીઓએ લાભ લીધો છે. આ યોજનાને કારણે અંતરિયાળ ગામડાઓમાં છુપાયેલી પ્રતિભાઓને વિકસવાનો મોકો પ્રાપ્ત થયો છે. સેન્ટર ઓફ એક્સલન્સ સંદર્ભે ઈશ્વર સિંહે જણાવ્યુ કે, રાજયના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તે માટે રાજય સરકાર દ્વારા “સ્વામી વિવેકાનંદ ખેલ પ્રતિભા સંવર્ધન કેન્દ્ર – સેન્ટર ઓફ એક્સલન્સ” અંતર્ગત ૧૩ ઓલમ્પિક રમતોની ૧૭ નિવાસી એકેડમીઓમાં ખેલાડીઓ તથા  ૨૪ ઓલમ્પિક રમતોમાં ૧૨૯૯ ખેલાડીઓને બિન નિવાસી કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી ઘનિષ્ઠ પ્રશિક્ષણ મેળવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓ તથા ઓલિમ્પિક કક્ષાના રમતવીરો તૈયાર કરવાના ધ્યેય સાથે રાજય સરકારે શક્તિદૂત યોજના અમલમાં મૂકી છે તે અંતર્ગત તેમણે જણાવ્યું કે, હાલમાં ૭૩ ખેલાડીઓની શક્તિદૂત તરીકે પસંદ કરી તે પૈકી ૨૩ ખેલાડીઓને ઓલિમ્પિક-૨૦૨૦ અને ૨૦૨૪ના ટાર્ગેટેડ ખેલાડી તરીકે ધનિષ્ઠ તાલીમ આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માટે ૨૦૧૯-૨૦માં આ યોજના હેઠળ રૂ.૪૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

ખેલ પ્રતિભા પુરસ્કાર અંગે ઈશ્વર સિંહે જણાવ્યુ કે, રાષ્ટ્રકક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના વિજેતા ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે ૨૧૨ વિજેતા ખેલાડીઓને રૂ.૧૦૪.૩૦ લાખના, ૨૨૪૧ મહિલા રમતવીરોને રૂ.૭૫ લાખથી વધુ રકમના, તેમજ ૧૫૪ જેટલા વિજેતા દિવ્યાંગ ખેલાડીઓને રૂ.૬૮.૯૪ લાખના રોકડ પુરસ્કાર આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

રાજયના તમામ જીલ્લાઓમાં ખેલકૂદને મહત્વ આપવા સરકારે વર્ષ-૨૦૦૬થી સરદાર પટેલ રમત સંકુલ યોજના દ્વારા માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તે અંતર્ગત હાલમાં ૧૮ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કાર્યરત છે. જેમાં ૧૨ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જરૂરીયાત મુજબ અદ્યતન સુવિધાઓના અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

આદિજાતિ વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી યુવાનોને રમતગમત અંગેની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માહિતી આપતા ઈશ્વર સિંહે જણાવ્યું કે,  માટે રાજપીપળા ખાતે ૪૦૦ મી. સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, ફુટબોલ ગ્રાઉન્ડ તથા હાઈપરર્ફોર્મન્સ જિમ્નેસ્ટીક હોલની સુવિધા સાથે જ છોટા ઉદેપુર ખાતે ૪૦૦ મી. સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, ફુટબોલ ગ્રાઉન્ડ તથા ડેવલપમેન્ટની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવી રહયુ છે. તથા વડોદરા જિલ્લાના ડેસર ખાતે ૧૩૦ એકર વિસ્તારમાં ભારતની બીજા નંબરની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી કુલ ૨૦૦ કરોડના ખર્ચે આકાર પામશે. જે પૈકી હાલ ૭૦ કરોડના ખર્ચે સુવિધાઓ ઉભી થઈ રહી છે.

ઈશ્વર સિંહે જણાવ્યુ કે, રાજ્યની સાંસ્કૃતિક ધરોહર અને પ્રણાલીઓને વધુ  લોકભોગ્ય અને લોકાભિમુખ બનાવવા તથા તેનો વ્યાપ વધારવા માટે, તથા કલાકારોના સાંસ્કૃતિક ઉત્થાન માટે સરકાર હર-હંમેશ સક્રિય છે.આ બાબતે  ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધાની જેમાં રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે આવેલ પાટણ વાવના ઓસમ પર્વત, સાબરકાંઠા જિલ્લામાં ઇડર ખાતે આવેલ ઇડરીયો પર્વત, સુરેન્દ્રનગર  જિલ્લામાં ચોટીલા ખાતે આવેલ ચોટીલા પર્વત, પંચમહાલ  જિલ્લામાં હાલોલ ખાતે આવેલ પાવાગઢ પર્વત, ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે શેત્રુજંય પર્વતનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન યોજના અંતર્ગત ઈશ્વર સિંહે જણાવ્યુ કે,  બહુરત્ન વસુંધરા એવું ભાતિગળ- ગુજરાત ભારતનું એવું વિશિષ્ટ રાજ્ય છે, કે જેમાં સમુદ્ર-નદીઓ, પહાડો, અને રણપ્રદેશ જેવી ભૂમિગત વિવિધતા સમાયેલી છે. આવી વિવિધતાને કારણે અલગ-અલગ પ્રકારની સાહસિક પ્રવૃત્તિઓ આયોજિત કરવી શક્ય બને છે. આ અંગે સાહસિક પ્રવૃતિઓ માટે અંદાજીત રૂ.૫૦.૦૦ લાખની નવી બાબત મંજૂર કરવામાં આવેલ છે. ગુજરાતનું ગૌરવ એવા દેશની ‘એકતા’ના શિલ્પી એવા લોખંડી પુરૂષ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઑફ યુનિટી”, કેવડીયા કોલોનીના પ્રાંગણમાં શાસ્ત્રીય સંગીત, નાટક, લોક નૃત્યો, પરંપરાગત રમતો અને એડવેન્ચરના કાર્યક્રમો માટે વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ।.૨૦૦ લાખની નવી બાબત મંજૂર કરવામાં આવી છે. જે આવનારા સમયમાં પ્રવાસનને વેગ આપવા સાથે સ્થાનિક કક્ષાએ રોજગારીની વિપુલ તકો ઉભી કરવામાં મદદરૂપ બની રહેશે.જેની જાણકારી પ્રધાન ઈશ્વર સિંહે આપી હતી.