કોરોના કાળમાં યુવાનો ક્રાંતિકારી પરિવર્તન લાવી શકેઃ નિષ્ણાતો

અમદાવાદઃ વર્તમાન કોરોના રોગચાળાના સમયમાં યુવાનો ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. આ માટે તેમને પોતાના સંશોધનાત્મક વિચારો અને પ્રયોગો રજૂ કરવા માટે જરૂરી મંચ અને પૂરતી સહાય ઉપલબ્ધ બનાવવી જરૂરી છે, તેવું મંતવ્ય રવિવારથી શરૂ થયેલી બે દિવસની ગુજરાત યુથ કોન્કલેવ (જીવાયસી)માં ભાગ લેનારા નિષ્ણાતોએ વ્યક્ત કર્યું હતું. આ સંમેલનમાં દેશભરમાંથી વક્તાઓ, સફળ સાહસિકો અને પ્રભાવકે ભાગ લીધો હતો, જેમાં કોવિડ 19માં યુવાનોની ભૂમિકા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. યુવાનો માટેના સહયોગપૂર્ણ મંચ ગુજરાત યુથ ફોરમ દ્વારા ગુજરાતની પ્રથમ યુથ કોન્ક્લેવ (જીવાયસી)નું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિસેફ ઇન્ડિયાના એડીએપી એન્ડ યુવા ઇન્ડિયાના વડા ધુવારખા શ્રીરામે જણાવ્યું હતું કે “ઉદ્યોગસાહસિક વાતાવરણમાં કૌશલ્ય વિકસાવવાની તક આત્મવિશ્વાસ અને સ્થિતિસ્થાપકતા તરફ દોરી જાય છે અને યુવાનોની સંસ્થાકીય લાગણીઓમાં વધારો થાય છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ટેક્નિકલ શિક્ષણ વિભાગના આઇએએસ એમ. નાગરાજને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ અને સંશોધન એ ભારતની વૃદ્ધિના મુખ્ય વાહક છે એ સાચું છે, પરંતુ યુવાનોની ભાગીદારી વગર એ શક્ય નથી.

યુથ ઇન ઇનોવેશન એન્ડ ટેકમાં યુવાનોની સ્થિતિસ્થાપકતા, દ્રઢ નિશ્ચય અને કલ્પનાશક્તિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરનારા વક્તાઓમાં રોનક જોગેશ્વર, પ્રોગ્રામ લીડ, અટલ ટિન્કરિંગ લેબ્સ, અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગ, અનુજ દુગલ, ડેવલપર રિલેશન્સ, ગૂગલ અને જતીન ચૌધરી, કો-ફાઉન્ડર અને અટલ ઇન્ક્યુબેશન સેન્ટરના સીઈઓ અને ધીરજ ભોજવાનીનો સમાવેશ થાય છે.

ગુજરાત યુથ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિમાં ચાર ઓનલાઇન સત્રનો સમાવેશ કરાયો છે. દરેક સત્ર એક ચોક્કસ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં પ્રતિષ્ઠિત નિષ્ણાતો, ઉદ્યોગસાહસિકો, ચેન્જ મેકર્સ અને વિચાર પ્રવર્તક અગ્રણીઓ તેમાં ભાગ લેશે.