દસ મહિના પછી ફરી રંગભૂમિ ધબકતી થઈ

અમદાવાદઃ વૈશ્વિક કોરોના રોગચાળા પછી સમગ્ર દુનિયાના બંધ પડેલા વેપાર-ધંધામાં પછી ખાસ કરીને કેન્દ્ર સરકારની અનલોક ગાઇડલાઇન પછી તમામ વેપાર-ધંધાઓ શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ “કલાજગત” હજી સુધી શરૂ થઈ શક્યું નહોતું. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના સતત પ્રયત્નો અને રાજ્ય સરકારના હકારાત્મક વલણને કારણે ચોક્કસ ગાઇડલાઇન્સ બનાવીને રંગભૂમિ ફરી એક વાર શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસંગે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં યોજાયેલા ગુજરાતી નાટક “એમ પૂછીને થાય નહીં પ્રેમ” શરૂ કરતાં પહેલા પડદો ખોલી ને તમામ કલાકારોએ રંગભૂમિની પ્રાર્થના આંગીકમના સ્વરો દ્વારા કરી હતી. એટલું જ નહીં, કલાકારોએ લાગણીવશ થઈને સામે બેઠેલા તમામ પ્રેક્ષકોની પૂજા કરી અને મીઠાઈ પણ વહેંચી હતી. જ્યારે મુંબઈમાં નાટક “કરસનદાસ કોમેડી વાળા” યોજાયું હતું.

લોકડાઉનના દસ મહિના પછી અમદાવાદ અને મુંબઈની રંગભૂમિ પર નાટકનો પહેલો પ્રયોગ 200 પ્રેક્ષકોની મર્યાદામાં એક સીટ પછી એક સીટ છોડીને, સેનેટાઇઝર અને થર્મલ ગન ચેકિંગ જેવી સંપૂર્ણ તકેદારી સાથે શરૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગ સાચા અર્થમાં કલાકારો માટે ખૂબ લાગણીશીલ બની રહ્યા હતા. હવેથી તમામ નાટકના નિર્માતાઓ આયોજકો પોતાનો શો રજૂ કરવા માટે હિંમત કરશે તેવી આશા પણ ઉપસ્થિત કલાકાર-કસબીઓએ વ્યક્ત કરી હતી. અમદાવાદમાં યોજાયેલા નાટક “એમ પૂછીને થાય નહીં પ્રેમ”ના લેખક પ્રવીણ સોલંકી હતા તો નાટકના દિગ્દર્શક નિશિથ બ્રહ્મભટ્ટ અને નિર્માતા હતા અભિલાષ ઘોડા.