ધરમપુરમાં ભાજપપ્રમુખે લગ્નમાં કોરાના ગાઇડલાઇન્સના કર્યા લીરેલીરા

વલસાડઃ રાજ્યમાં કોરોના વાઇરસ વકરતાં સરકારે રાત્રિ કરફ્યુ, માસ્ક નહીં પહેરવા બદલ દંડ સહિતના ઉપાયો કરી રહી છે, ત્યારે ભાજપના નેતાઓ કાયદાથી પર હોય એમ વર્તી રહ્યા છે. વલસાડના ધરમપુર તાલુકામાં ભાજપપ્રમુખ કેતન વાઢુનાં લગ્નનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં કોરોનાની ગાઇડલાઇન્સના લીરેલીરા ઊડ્યા છે. આ વિડિયો સામે આવતાં પોલીસે કેતન વાઢુ સહિત 11 વિરુદ્ધ  કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ધરમપુરના ભાજપના નેતા ભાજપ નેતા કેતન વાઢુનાં લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી અને એ લગ્નમાં ઉપસ્થિત મહેમાનોએ કોરોના ગાઇડલાઇનને અનુસર્યા વગર  સંગીતના તાલે નાચતા હોય તેવા વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયા હતા. આ લગ્નના આ પ્રકારના વિડિયો વાઇરલ થયા બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને ગઇ કાલે રાત્રે આઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી. એ પછી પોલીસે વધુ ત્રણ જણની અટકાયત કરી હતી. પોલીસે આ તમામ વિરુદ્ધ કોવિડ-19ના જાહેરનામા ભંગ અને ભીડ ભેગી કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાપીની ઘટના બાદ ધરમપુરમાં બની બીજી ઘટના

તાપીમાં ભાજપના કાર્યકર દ્વારા મોટી સંખ્યામાં યોજાયેલા લગ્ન બાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં આ બીજી ઘટના સામે આવી છે. જેમાં લગ્નમાં સેંકડોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હોય અને લગ્નમાં નાચગાન કરતા હોય.