અમદાવાદઃ યોગ દિવસની પૂરજોશ તૈયારીઓ, મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કરી પ્રેકટિસ

અમદાવાદ– યોગ-ધ્યાન-પ્રાણાયામ-સૂર્યનમસ્કાર એ મનુષ્યના તન અને મનને તંદુરસ્ત રાખવાની પ્રક્રિયા છે. સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત રીતે થોડો સમય યોગ-પ્રાણાયામની ક્રિયાઓ  કરવાથી અવશ્ય શરીરને નિરોગી રાખી શકાય. છેલ્લા કેટલાય વર્ષોથી ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકો હેલ્થ કોન્સિયસ થયાં છે. જેના પરિણામે યોગ-ધ્યાન-પ્રાણાયામનું મહત્વ પણ વધ્યું છે. અનેક દેશોમાં જુદા જુદા સંગઠનોના નેજા હેઠળ યોગાભ્યાસ થાય છે. યોગ પ્રક્રિયાને કેટલાક લોકો ધર્મ સાથે જોડી દેતાં હોય છે. પરંતુ યોગ એ આત્મા-મન-શરીર સાથે જોડાયેલો વિષય છે.

21 જૂન યોગા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દુનિયામાં યોગ પ્રેમી લોકો હાલ નિયમિત પ્રેકટિસ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ મોટા પાયે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે શહેરના બાગ-બગીચા, ખુલ્લાં મેદાનો, શાળા-કોલેજો કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ , યોગ ક્લાસિસ ચલાવતા સંચાલકો દ્વારા યોગાભ્યાસ પૂરજોશમાં ચાલી રહ્યો છે.પ્રસ્તુત તસવીર અમદાવાદ શહેરની અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલની છે જ્યાં આજે સવારે વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ ભારતના રાષ્ટ્રધ્વજના રંગ અપનાવીને યોગાભ્યાસ કર્યો હતો.
પ્રસ્તુત તસવીર અમદાવાદ શહેરની અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલની છે જ્યાં આજે સવારે વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગનો અભ્યાસ કર્યો હતો.
તસવીરઃઃઅહેવાલ–પ્રજ્ઞેશ વ્યાસ ​