લ્યો, હવે કરણી સેના અનામતને લઇને આંદોલન કરવા મેદાનમાં

અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી એકવાર આરક્ષણ આંદોલનની તૈયારીઓ શરુ થઈ રહી છે. પાટીદારોની અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ કરણી સેના અનામતમાં સંશોધનની માંગને લઈને 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં મહારેલી કરશે.

ગુજરાતે લાંબા સમય સુધી પાટીદાર અનામત આંદોલનનો સામનો કર્યો, આ દરમિયાન ઓબીસી અને દલિત આંદોલનો પણ થયા પરંતુ વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી બાદ બધુ શાંત થઈ ગયું તેમજ આંદોલનકારી નેતાઓ પણ રાજનૈતિક દળો સાથે જોડાઈ ગયા પરંતુ અનામતને લઈને ફરીથી એકવાર કરણી સેના મેદાને આવી છે.

કરણી સેનાની માંગ છે કે વર્તમાન અનામત વ્યવસ્થાને સમાપ્ત કરીને આર્થિક આધાર પર અનામત આપવી જોઈએ. એસસી-એસટી એટ્રોસિટી એક્ટના દુરુપયોગને રોકવા માટે આની કલમ 18 એ ને દૂર કરવી જોઈએ તેમજ ખોટા કેસ દાખલ કરવા પર સજાની પણ જોગવાઈ હોવી જોઈએ. આ પ્રકારની માંગણીઓ લઈને કરણી સેનાએ 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં એક મહારેલીનું આયોજન કર્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી પણ આમાં જોડાશે.

કરણી સેનાનું કહેવું છે કે, જો તેમની માંગણીઓને ગંભિરતાથી નહી લેવામાં આવે તો, આખા દેશમાં અનામત આંદોલન થશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2015 થી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું, જેને લઈને બે-અઢી વર્ષ સુધી રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થાની સ્થિતી ખરાબ રહી, ત્યારે હવે એકવાર ફરીથી અનામતના મુદ્દા પર સવર્ણ જાતીઓ આંદોલનના રસ્તે છે. કરણી સેનાને અન્ય સમાજના સંગઠનો પણ સાથ આપી રહ્યા છે, જેમાં રાજપૂત કરણી સેના સહિતની સામાજીક સંસ્થાઓનો સમાવેશ થાય છે.

કરણી સેના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવત અનુસાર, ગુજરાતના કચ્છમાં સરકાર દ્વારા દલિતોને આપવામાં આવેલી જમીનોને લઈને ક્ષેત્રિય અને દલિત સમુદાય વચ્ચે ટકરાવ છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આને લઈને ગત 30 ઓક્ટોબરના રોજ રાપરમાં એક સભાને સંબોધન કર્યું તો, તેમના વિરુદ્ધ એટ્રોસિટી અંતર્ગત કેસ કરવામાં આવ્યો. આનાથી નારાજ શેખાવતે કહ્યું કે તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રશાસન અને સરકારે મધ્યસ્થતા કરીને દલીતો અને રાજપૂતો વચ્ચેના વિવાદનું સમાધાન લાવવું જોઈએ.

શેખાવતે જણાવ્યું કે તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ તપાસ બાદ જ કાર્યવાહી થવી જોઈએ. ફરિયાદ ચોક્કસપણે પાયાવિહોણી અને રાજનૈતિક ઈશારા પર નોંધાવવામાં આવી છે, જેમાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પણ નામ સામે આવી રહ્યું હોવાની ચર્ચા છે.