કંડલાથી જીવતાં પશુઓની નિકાસ મુદ્દે સરકારે લઈ લીધો નિર્ણય…તાત્કાલિક નિકાસ સ્થગિત

ગાંધીનગર– કંડલા બંદરેથી જીવતાં પશુઓની નિકાસ મુદ્દે ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.  મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તેમના નિવાસસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ નિર્ણય જાહેર કર્યું હતું કે તાત્કાલિક અસરથી કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ સ્થગિત કરવામાં આવી છે.
જીવતાં પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ પ્રસિદ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જ્યાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શિકા પ્રમાણેના ધારાધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવિત પશુઓની નિકાસ થઈ શકશે નહીં .

સીએમ રુપાણીએ કેન્દ્રીય વાણિજયપ્રધાન સુરેશ પ્રભુને આ અંગે પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ માર્ગદર્શિકાને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી આપવામાં આવતી લોકલ સર્ટિફિકેશનની મંજૂરી નવા નિયમોને કારણે અર્થહિન બની ગઈ છે. આ પત્રમાં એવી વિનંતી પણ કરી છે કે જ્યાં સુધી ક્વોરેન્ટાઇન સ્ટેશન અને સર્ટિફિકેશનની સુવિધાઓ ઉપલબ્ધ ન થાય તે દરમિયાનમાં પશુઓની કંડલા બંદરેથી નિકાસની પરમીટ બંધ કરવામાં આવે.

આ ઉપરાંત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઓફ એનીમલ રૂલ્સ ૧૯૭૮ અને ધ પ્રીવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એકટ ૧૯૬૦ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન અને પશુઓના પરિવહન અંગે આંતર રાષ્ટ્રીય ધોરણોના પાલન અંગેનું મીકેનીઝમ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય તે દરમ્યાન આ કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવા પોલીસ તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ પત્રમાં ભારત સરકાર તરફથી આ સમગ્ર બાબતે ત્વરિત દરમ્યાન થઈને નિવારણ લાવવા અનુરોધ કર્યો છે

તૂણા પોર્ટ પરથી પશુઓની ગેરકાયદે નિકાસ ન થઈ શકે તે હેતુથી ગૃહવિભાગ દ્વારા તાકીદના ધોરણે એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર ૨૪ X ૭ નિગરાની રાખીને કોઈપણ જીવિત પશુની નિકાસ નહીં થવા દે.

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકારના નોટીફિકેશન અન્વયે રાજ્યના તમામ જિલ્લામાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં સ્થપાયેલ જિલ્લાની પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ (SPCA)ને કોઈપણ પ્રકારનાં પ્રાણી ક્રૂરતાના કિસ્સામાં પ્રિવેન્સન ઓફ એનિમલ ક્રૂઅલ્ટી એક્ટની જોગવાઈઓ અનુસાર સઘન કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

તૂણા કંડલા પોર્ટ ખાતે કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટને પણ જ્યાં સુધી ભારત સરકાર તરફથી યોગ્ય દિશાનિર્દેશો ન મળે ત્યાં સુધી આવી નિકાસ ન કરવા દેવા સૂચનાઓ આપવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]