ચિકનગુનિયાનો નવો સ્ટ્રેન શરીરના ઓર્ગનને પહોંચાડશે નુકસાન?

ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યું છે. ત્યારે બીજી બાજું રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. ગુજરાતમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ ચિકનગુનિયાના બમણા નોંધાયા છે. ચિકનગુનિયા સાથે એન્સેફેલાઇટિસ હોય તો કિડની, મગજ જેવા અંગોને નુકસાન થવાનું પણ જોખમ રહે છે.

સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળતા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચિકનગુનિયાના 30 ટકાથી વઘુ કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર જે સત્તાવાર આંકડા સામે આવી રહ્યા છે. તેના કરતાં પણ ચિકનગુનિયાના કેસ અનેકગણા વધુ હોવાની શક્યતા છે. ડૉક્ટરોના મતે આ વખતે કેટલાક દર્દીઓમાં ચિકનગુનિયાની સાથે એન્સેફેલાઇટિસ પણ જોવા મળે છે. આ દર્દીઓમાં ચિકનગુનિયા જેવા જ તાવ, સાંધાના દુખાવા, ફોલ્લીઓ થવાના લક્ષણો હોય છે. આ પછી બીજા સપ્તાહમાં બળતરા મગજ સુધી પહોંચવા લાગે છે. જેના કારણે દર્દી અશક્તિ, વધુ ઉંઘ આવવી, ચાલવામાં સમસ્યા, અનિયમિત યુરિનરી જેવી ફરિયાદ કરે છે. આ પ્રકારના લક્ષણ સાથેના દર્દીના સેમ્પલ જોવા મળ્યા છે, જેને પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ વિરોલોજીમાં પરિક્ષણ માટે મોકલાયા છે. જેથી વાયરસ મ્યુટેશન છે કે ચિકનગુનિયાનો કોઇ નવો સ્ટ્રેઇન તે સ્પષ્ટ થશે. આ પ્રકારના કેસનું પ્રમાણ હાલ દેશમાં ખૂબ જ ઓછું છે. પરંતુ આ ગંભીર પ્રકારની બીમારીને ‘ગુઇલિયન બેર સિન્ડ્રોમ’ તરીકે ઓળખાય છે.

આ બીમારીમાં ચેતાતંતુઓને અસર થવા ઉપરાંત ભારે અશક્તિ આવવી, પેરાલિસિસ થવાનું જોખમ પણ રહે છે. કેટલાક દર્દીઓ એવા પણ છે જેમને ભારે અશક્તિ આવવાથી ચાલતા-ચાલતા પડી જાય છે. ચિકનગુનિયા એન્સેફેલાઇટિસના કેસ આપણે ત્યાં હજુ વધારે જોવા મળ્યા નથી. આ વાયરસ શરીરના કોઇપણ ઓર્ગનને જોખમ પહોંચાડી શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે દર્દીને તેનું નિદાન મોડું થાય તો તકેદારી જરૂરી છે. ચિકનગુનિયાથી મગજને અસર પડી હોય તેવા ગુજરાતમાં હજુ સુધી કેસ નોંધાયા નથી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં તાવના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર તાવના અંદાજે 6 હજાર દર્દી પૈકી 1 હજાર ડેન્ગ્યુ-ચિકનગુનિયાના હોય છે. આ ઉપરાંત તાવના રોજના 10 ટકા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.