ગાંધીનગરઃ જાપાનની અગ્રગણ્ય કારઉત્પાદક કંપની સુઝૂકી મોટર કોર્પના પ્રેસિડન્ટ તોશિહિરો સુઝૂકીએ આજે અહીં જણાવ્યું છે કે એમની કંપની ભારતમાં આક્રમક રીતે મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખશે અને ભારતમાં એક નવી જાગતિક સંશોધન અને વિકાસ કંપનીની સ્થાપના કરશે. એ કંપની સંપૂર્ણપણે જાપાનની સુઝૂકીની માલિકીની હશે અને તે સુઝૂકી કારઉત્પાદક કંપનીને માત્ર ભારત માટે જ નહીં, પરંતુ જાગતિક બજારોમાં પણ તેની R&D (સંશોધન-વિકાસ) સ્પર્ધાત્મક્તા અને ક્ષમતા વધારે મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. તોશિહિરો સુઝૂકીએ આ નિવેદન અહીં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું, જેનું આયોજન ભારતમાં સુઝૂકીના રોકાણના 40 વર્ષોની સમાપ્તિના અવસરની ઉજવણી રૂપે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત આવતા 25 વર્ષોમાં ઊર્જા ક્ષેત્રે આત્મ-નિર્ભરતા હાંસલ કરી બતાવશે. વડા પ્રધાને ભારત અને જાપાન વચ્ચેના સંબંધની સરાહના પણ કરી હતી. એમણે કહ્યું કે આગામી 25 વર્ષના અમૃત કાળમાં ઊર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનવા માગે છે અને તે ધ્યેય હાંસલ કરવા માટે ટ્રાન્સપોર્ટેશન ચાવીરૂપ છે. મોદીએ આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ જિલ્લાના હંસલપુરમાં સુઝૂકી ઈલેક્ટ્રિક વેહિકલ બેટરી પ્લાન્ટ તેમજ હરિયાણા માટે મારુતિ સુઝૂકી વેહિકલ મેન્યૂફેક્ચરિંગ એકમનો શિલાન્યાસ વિધિ પણ સંપન્ન કર્યો હતો.