અમદાવાદ– ગુજરાત કોંગ્રેસમાં વિરોધપક્ષના નેતા પદે યુવા નેતા પરેશ ધાનાણી અને ત્યાર પછી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે યુવા નેતા અમિત ચાવડા અને હવે પ્રશ્ન એ થાય છે કે ગુજરાત કોંગ્રેસને વધુ યુવાન બનાવવા ગુજરાતના પ્રભારી કોણ બનશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ લોકસભા 2019ની તૈયારીના ભાગરૂપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે, કે તેઓ ગુજરાતમાં નેતાગીરીમાં ફેરફાર કરવા માગી રહ્યા છે, યુવા બ્રિગેડ તૈયાર કરવાની દિશામાં તેઓ કામ કરી રહ્યા છે.આ સપ્તાહે અથવા તો આગામી સપ્તાહે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારીની વરણીની જાહેરાત કરાય તેવી શકયતા છે. હાલના ગુજરાતના પ્રભારી રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત હાલ રાજસ્થાનનાના રાજકારણમાં ફરીથી સક્રિય થયા છે. રાજસ્થાનમાં પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેમજ લોકસભા 2019માં અશોક ગેહલોતનો રોલ મોટો હોઈ શકે છે. જેથી ગુજરાતના પ્રભારી તરીકે તેઓ રાજીનામુ આપશે.
કોંગ્રસના વર્તુળોમાં ચર્ચાય છે કે રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે નવો ચહેરો અને યુવા નેતા હશે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્રના સહપ્રભારી અને મહારાષ્ટ્રના યુવા સાંસદ રાજીવ સાતવનું નામ ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે મોખરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિપરીત પરિસ્થિતીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસે ખુબ જ સરસ પ્રદર્શન કર્યું હતું. સહપ્રભારી રાજીવ સાતવની ઉમદા કામગીરીને પગલે તેમને ગુજરાત પ્રદેશના પ્રભારીનો રોલ મળી શકે છે.