કોણ છે ભાજપના રાજ્યસભાના અન્ય બે ઉમેદવાર? જાણો…

ગાંધીનગરઃ ભાજપે રાજ્યસભાની ચૂંટણીની ત્રણે ગુજરાતમાંની બેઠક પર ત્રણે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે,. જેમાં વિદેશપ્રધાન એસ. જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે જે બીજી બે બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા છે, એમાં રબારી સમાજના દાનવીર અને બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાનાં નામ ભાજપે જાહેર કર્યાં છે. આ બંને ઉમેદવારોએ બપોરે ફોર્મ ભર્યાં હતાં. તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપાધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રબારી સમાજના દાનવીર બાબુભાઈ દેસાઈ

બાબુભાઈ રબારી સમાજમાં દાનવીર કહેવાય છે, તેઓ મૂળ બિલ્ડર છે. અને તેમાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. તેમનો હાલ કૃષિ અને પશુપાલનની સાથે લેન્ડ ડેવલપર્સ એન્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે અને તેઓ સામાજિક પ્રવૃત્તિ પણ કરે છે. તેઓ કન્યા કેળવણી માટે કાર્યરત છે. તેઓ 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.

વાંકાનેર સ્ટેટના રાજવી કેસરીદેવસિંહ ઝાલા

કેસરીદેવસિંહ વાંકાનેર સ્ટેટના રાજવી અને ભાજપના સંનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. તેઓ રાજકોટ અને મોરબી જિલ્લાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ હતા.. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમને 2011માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.