‘રેડ એલર્ટ’ના પ્રકોપથી પશુપંખીઓને બચાવવા એડવાઈઝરી જાહેર કરવી પડી

અમદાવાદઃ રાજ્યમાં અસહ્ય ગરમીનો પ્રકોપના દિવસો ચાલી રહ્યાં છે જેમાં 26-27-28 માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીની અસર માનવજીવન પર થાય છે તેવી જ પશુપંખીઓ પણ પણ જોવા મળે છે. અબોલ પશુપંખીઓને ગરમીથી બચાવવા સરકાર દ્વારા એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે અને નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે પશુપંખીઓના રક્ષણ માટે બનતો સાથસહકાર આપે.પશુપાલકો દ્વારા આ ગરમીના સમયગાળા દરમિયાન પશુઓને ગરમીથી રક્ષણ આપવા જરુરી તકેદારી રાખવામાં આવે તો પશુઓને ગરમીથી રાહત મળી શકે છે. રાજ્યના પશુપાલન નિયામક દ્વારા પશુપાલકોએ પશુઓને ગરમીથી રક્ષણ આપવા શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.

(૧) પશુઓને છાંયડામાં (શેડ અથવા ઝાડ નીચે) રાખવાં

(૨) શેડ ઉપર ડાંગર કે ઘઉંના પૂળિયાં નાંખી કે શેડના પતરાં ઉપર સફેદ કલર કરી શેડનું તાપમાન જાળવવું.

(૩) પશુઓને શેડમાં પૂરતી જગ્યા (સામાન્ય કરતાં વધારે) આપવી

(૪) પશુઓને દિવસ દરમિયાન સતત, પૂરતું, સ્વચ્છ ઠંડુ પાણી આપવું

(૫) પશુઓને ખોરાક દિવસના ઠંડા કલાકો (સવારે અને સાંજે) દરમિયાન આપવો

(૬) પશુઓને ઉત્તમ પ્રકારના લીલા ઘાસચારાનું નીરણ કરવું.

(૭) પશુઓના ખોરાકમાં બાયપાસ પ્રોટીન અને બાયપાસ ફેટનો ઉપયોગ કરવો.

(૮)  પશુઓને દૈનિક મીનરલ મીક્સર ૭૫-૮૦ ગ્રામ તથા મીઠું ૨૦-૨૫ ગ્રામની માત્રામાં આપવું.

(૯) પશુઓના શેડમાં પંખા, એર-કુલર, પાણીના ફુવારા, ફોગરનો ઉપયોગ કરવો.

(૧૦) અતિશય ગરમીમાં  પશુઓ પર પાણીનો સીધો છંટકાવ કરવો.

(૧૧) પશુઓને તળાવ અથવા પાણી ભરેલાં ખાડામાં જલવિહાર માટે મોકલવા.

(૧૨) પશુઓને રાત્રિના સમયે ચરિયાણમાં મોકલવા.

(૧૩) પશુઓને લૂ લાગવાના કિસ્સામાં નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરી સારવાર અપાવવી.

વધુ માહિતી માટે નજીકની સરકારી પશુસારવાર સંસ્થાનો સંપર્ક કરવો.

 

હાલના દિવસોમાં વાતાવરણમાં તાપમાન વધુ હોવાથી દૂધાળાં પશુઓની ઉત્પાદકતા પર તથા તંદુરસ્ત પશુઓના આરોગ્ય પર વિપરીત અસર થવાની પૂરેપૂરી સંભાવના છે. જેથી ઉનાળામાં પશુઓને ગરમીથી રક્ષણ આપવા રાજ્યના પશુપાલકોને પશુપાલન નિયામક દ્વારા નીચે મુજબની તકેદારી રાખવા જણાવાયું છે.