અમે NRIને દેશ અને દેશવાસીઓ સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કર્યો છેઃ એમ જે અકબર

ગાંધીનગર– ગુરુવારે વિદેશવિભાગના એક કાર્યક્રમમાં ગાંધીનગર આવેલાં વિદેશ રાજ્યપ્રધાન એમ જે અકબરે જણાવ્યું હતું કે બિનનિવાસી ભારતીયોને દેશવાસીઓ સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે. અમે બે દિલોને જોડવા મજબૂત બ્રિજ બાંધ્યો છે, જેથી રાષ્ટ્રના વિકાસમાં તેમના સહયોગને નવું દિશાદર્શન મળે.તેમણે એમ પણ જણાવ્યું કે, અમારા માટે વ્હાઇટ કોલર, બ્લ્યુ કોલર એવા કામના પ્રકાર નથી. તિરંગા કોલર જ અમારા માટે મહત્વ ધરાવે છે. કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે જ વિશ્વભરના એનઆરઆઇ સમુદાયમાં એક વિશ્વાસનું નિર્માણ થયું છે. જેના કારણે હવે ‘બેસ્ટ માઇન્ડ’ સ્વદેશ પરત ફરી રહ્યાં છે.

વિદેશ જવા માંગતા નાગરિકોની અનેકવિધ સમસ્યા તરફ આંગળી ચીંધતાં અકબરે ખાસ કરીને કામદારોને ઉલ્લેખીને જણાવ્યું હતું કે, અમે વિદેશ જતા કામદારોને જાગૃત કરીને ‘સુરક્ષિત જાઓ, પ્રશિક્ષિત જાઓ’ ના ધ્યેય સાથે કામ કરી રહ્યા છીએ. જેથી કાયદેસરના માન્ય એજન્ટો દ્વારા જ કામદારો વિદેશ જાય. આ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોની સમસ્યાનો પણ ઉલ્લેખ કરાયો હતો. ખાસ કરીને લગ્ન સંબંધી સમસ્યાના ઉકેલ ઉપર પણ ચિતન કરાયું હતું.