અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર રોગચાળો વકર્યો છે. રાજ્યનાં મુખ્ય શહેરોમાં ફરી એક વાર ઘેરેઘેર વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. શહેરમાં વાદળછાયા વાતાવરણને કારણે મિશ્ર ઋતુ થવાથી રોગચાળો વકર્યો છે. ગાંધીનગરમાં પણ રોગચાળો વધ્યો છે.
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ મહિનાના ફક્ત 12 દિવસમાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 481, કમળાના 76, ટાઈફોઇડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા છે. રાજ્યમાં પાણીજન્ય કેસો 800ને પાર નોંધાયા છે અને મચ્છરજન્ય કેસોની સંખ્યા 300ને પાર થઈ છે.
અમદાવાદના વટવા, લાંભા, રામોલ, અસારવા, ઈસનપુર સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા વકર્યો છે. ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના રોજના 40 કેસ નોંધાઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે કોર્પોરેશનના આરોગ્ય તંત્રને રોગચાળો ડામવા સૂચના આપી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. શહેરમાં મેલેરિયાના 70 કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના પાંચ અને ચિકનગુનિયાના પાં કેસ નોંધાયા છે.
જ્યારે મધ્ય ઝોનમાં ડેન્ગ્યુના 31 કેસ, પશ્ચિમ ઝોનમાં 79 કેસ, ઉત્તર ઝોનમાં ડેન્ગ્યુના 63 કેસ અને પૂર્વ ઝોનમાં 111 કેસ નોંધાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યુના 96 કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુના 140 કેસ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ડેન્ગ્યુના 104 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના 624 કેસ નોંધાઈ ચૂક્યા છે.આ સાથે સુરતમાં રોગચાળાના વધતા કેસથી ચિંતામાં વધારો થયો છે. કેમ કે છેલ્લા 72 કલાકમાં છ લોકોએ રોગચાળાએ જીવ ગુમાવ્યા છે. જેમાં ત્રણ તો બાળકોનો સમાવેશ થાય છે. આ સાથે છેલ્લા એક મહિનામાં રોગચાળાથી મૃત્યુનો આંક 28 પર પહોંચ્યો છે. સુરતમાં છેલ્લા 12 દિવસમાં ડાયરિયાના 38, મેલેરીયાના સાત, તાવના 76, ડેન્ગ્યુના 24, ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા છે. તો વધતા કેસના કારણે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલ પણ હાઉસફૂલ થઈ રહી છે.