વીએસ હોસ્પિટલના ઓરડાનો સ્લેબ તૂટ્યોઃ સારવારની જરૂર

અમદાવાદઃ શહેરના માદલપુરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલના OPDની ઇમારતના ત્રીજા માળે એક ઓરડાનો સ્લેબ તૂટી પડ્યો હતો. અમદાવાદની 1931માં સ્થપાયેલી શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, શેઠ ચિનાઈ પ્રસૂતિ હોસ્પિટલ શહેરમાં ખૂબ જ જાણીતા છે. લાખો દર્દીઓએ  વર્ષોથી આ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હાલ આ હોસ્પિટલ કેમ્પસની  મોટા ભાગની ઇમારતો જર્જરિત થઈ ગઈ છે. તમામ વિભાગોના  છજાઓમાંથી સળિયા દેખાઈ રહ્યા છે. સ્લેબ પર છોડ ઊગી ગયા છે, જેના વિશાળ મૂળિયા ઇમારતની આરપાર ડોકાય છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌને સરળતાથી સારવાર આપી શકે એવું હોસ્પિટલનું મોટા ભાગનું કેમ્પસ ખખડી ગયું છે. જુદી-જુદી દીવાલો પર- ઇમારત ભયજનક છે, અહીં પાર્કિંગ કરવું નહીં- નાં પાટિયાં લગાડવામાં આવ્યાં છે.

સરકાર દ્વારા વીએસ કેમ્પસની બાજુમાં જ એસવીપી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, પરંતુ હેરિટેજ અમદાવાદની ઓળખ અને જ્યાં હજારો ગરીબોને સારવાર અપાતી એ વીએસ હોસ્પિટલને આજે સારવારની જરૂર છે.

જૂની, જર્જરિત અને મેઇનટેઇનન્સના અભાવે ખંડેર જેવી લાગતી હોસ્પિટલનો આજે એક સ્લેબ તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ તંત્ર દોડતુ થઈ ગયું હતું. તાત્કાલિક અસરથી તૂટેલા સ્લેબવાળા ઓરડાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)