છ મહાનગરપાલિકાની ચૂંટણીઃ આજે મતદાન; 23મીએ પરિણામ

અમદાવાદઃ ગુજરાતના છ શહેરોમાં આજે મહાનગરપાલિકાની ચૂંટણી છે. એ માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી 23મીએ હાથ ધરાશે અને પરિણામ જાહેર કરાશે.

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર શહેરોમાં મહાપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન છે. કુલ 43,000 પોલીસોને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કોરોના થયો હોવાથી એ હાલ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સારવાર હેઠળ છે. આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-ક્વોરન્ટીન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને રૂપાણી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રૂપાણી આજે મતદાનના છેલ્લા કલાક એટલે કે સાંજે પ થી ૬ વાગ્યા દરમ્યાન સાંજે 5.15 કલાકે મતદાન માટે જશે. રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. ૭ જીવનનગર સોસાયટી-૧, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી રૂપાણી પોતાનો મત આપવાના છે. તમામ છ શહેરોમાં 47,695 મતદાન બૂથ ઊભા કરવામાં આવ્યા છે.